Last Updated on by Sampurna Samachar
અનેક રાજ્યોમાં વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર ભારતમાં સતત થઈ રહેલી હિમવર્ષાથી દેશના હવામાનમા બદલાવ આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હવેથી સતત ઠંડીનું મોજું રહેવાની શક્યતા છે, પશ્ચિમ રાજસ્થાનમાં પહેલેથી જ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદમાં શીત લહેરનો અનુભવ થવાની સંભાવના છે.
પૂર્વ રાજસ્થાનમાં ૧૩ ડિસેમ્બર સુધી કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. આ અઠવાડિયે પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં શીત લહેર આવવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૨૪ કલાક દરમિયાન પશ્ચિમ બંગાળ, ઝારખંડ, સિક્કિમ, બિહાર, પૂર્વી ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ગાઢ ધુમ્મસ રહશે.
હિમાચલ પ્રદેશમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ હતી. આગામી દિવસોમાં વધુ હિમવર્ષા ચાલુ રહેવાની ધારણા છે. ત્યારે જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં પણ બરફની ચાદર જોવા મળી હતી. જમ્મુ-કાશ્મીરના ઝોજિલામાં લઘુત્તમ તાપમાન માઈનસ ૨૧ ડિગ્રી થઈ ગયું છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે ૧૩ ડિસેમ્બર સુધી તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ સહિત દક્ષિણ ભારતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત તટીય આંધ્ર પ્રદેશ, યાનમ અને રાયલસીમાના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના ડેટા સૂચવે છે કે ૧૨ અને ૧૩ ડિસેમ્બરના રોજ દક્ષિણ આંતરિક કર્ણાટકમાં તેમજ કેરળ અને માહેમાં ૧૨ થી ૧૪ ડિસેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના છે.