Last Updated on by Sampurna Samachar
સુપ્રસિદ્ધ કંકેશ્વરી મેલડી માતાજીના મંદિરમાં મોડી રાત્રે ચોરીની ઘટના
માતાજીની ચાંદીના કિંમતી આભૂષણોની ચોરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં તસ્કરોએ હવે ધાર્મિક સ્થાનોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. કડીના નંદાસણ પાસે આવેલા સુપ્રસિદ્ધ કંકેશ્વરી મેલડી માતાજીના મંદિરમાં મોડી રાત્રે તસ્કરોએ ત્રાટકીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ મંદિરના દરવાજાના તાળા તોડી ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો અને માતાજીના શણગાર પર હાથફેરો કર્યો હતો.

ચોરીની આ ઘટનામાં ચાંદીના છત્તર, ચાંદીનો કંદોરો, માતાજીની ચાંદીની પાદુકા સહિતના કિંમતી આભૂષણોની ચોરી કરવામાં આવી છે.આશ્ચર્યની વાત એ છે કે, તસ્કરો માત્ર દાગીના જ નહીં પરંતુ મંદિરના રસોડામાં રાખેલા ૩ તેલના ડબ્બા, ૧ ઘીનો ડબ્બો અને ૩ કાંસાના ઘંટ જેવો સામાન પણ ચોરી ગયા હતા. પકડાઈ જવાની બીકે તસ્કરો મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરાનું રેકોર્ડર પણ પોતાની સાથે લઈ ગયા હતા, જેથી કોઈ પુરાવા ન રહે.
નંદાસણ પોલીસે તપાસના ચક્રો ઝડપી ગતિએ ગતિમાન કર્યા
સવારે નિયમિત પૂજા માટે જ્યારે પૂજારી તથા ગ્રામજનો મંદિરે પહોંચ્યા ત્યારે તાળાં તૂટેલા અને સામાન વિખેરાયેલો જોઈ ચોરીની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતા જ ગામમાં ચકચાર મચી ગઈ હતી અને લોકો મોટી સંખ્યામાં મંદિરે એકત્રિત થયા હતા. હાલ નંદાસણ પોલીસે આ મામલે ગુનો નોંધાવી આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ તપાસી તેમજ સંદિગ્ધ તસ્કરોને પકડવા માટે તપાસના ચક્રો ઝડપી ગતિએ ગતિમાન કર્યા છે.