Last Updated on by Sampurna Samachar
દાનપેટી છેલ્લા ત્રણ વર્ષથી ખોલવામાં આવી નહતી
મંદિરમાં ચોરી થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં હાલ મંદિરોમાં ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આવામાં અમદાવાદ શહેરમાં વધુ એક મંદિરમાં ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદ શહેરમાં આવેલા ગોમતીપુર વિસ્તારમાં આવેલા એક મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. મંદિરમાં ચોરી થવાના પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ઘટનાની મળતી વિગતો અનુસાર, અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલા શ્રી જાેગણી માતા અને અંબા માતા મંદિર સંકુલને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો આ મંદિરની આખી દાન પેટી જ લઈને નાસી છૂટ્યા હતા. મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર, આ દાન પેટીમાં અંદાજે ૫૦૦૦૦ રૂપિયા જેટલી રકમ હોવાનો અંદાજ છે. આ દાનપેટી છેલ્લા ત્રણ વર્ષથી ખોલવામાં આવી ન હોવાની જાણકારી પણ મંદિરના પૂજારી દ્વારા આપવામાં આવી હતી.
દાનપેટીમાં લગભગ ૫૦,૦૦૦ રૂપિયા હોવાનો અંદાજ
મંદિરમાં ચોરી થવાના કારણે ગોમતીપુર વિસ્તારના સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે, મંદિરોમાં ચોરી એ ધાર્મિક લાગણી દૂભાવવા સમાન ઘટના છે. આ સાથે મંદિરના પૂજારી અને સ્થાનિકો દ્વારા તસ્કરોને ઝડપથી પકડીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે.
અમદાવાદ શહેરના ગોમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ધુળાભાઈ પટેલની ચાલીમાં સ્થિત શ્રી જોગણી માતા અને શ્રી અંબા માતાજી મંદિર સકુંલમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. મંદિરના સ્ટીલ ના ગેટ સાથે અંદર ના ભાગમાં વેલ્ડિંગથી જોઈન્ટ કરવામાં આવેલી બે ફુટની સ્ટીલની દાન પેટી તસ્કરો ઉઠાવી ગયા હતા.
મોડી રાતથી વહેલી સવાર વચ્ચેના સમયગાળામાં તસ્કરો ગેસ કટર વડે સ્ટીલના પાઈપોને કાપી તોડીને અંદરના ભાગમાં રાખેલી દાનપેટીની ચોરી થઈ ગઈ હતી. આ દાનપેટ છેલ્લા ત્રણ વર્ષથી ખોલવામાં આવી ન હોવાને કારણે દાનપેટીમાં રહેલી રકમની ચોક્કસ વિગતો જાણી શકાઈ નથી. પૂજારીના જણાવ્યા અનુસાર દાનપેટીમાં લગભગ ૫૦,૦૦૦ રૂપિયા જેટલી રકમ હોવાનો અંદાજ છે. ગોમતીપુર પોલીસને મંદિરમાં દાનપેટીની ચોરીની ઘટનાની જાણ કરવામાં આવી છે. આમ છતા પોલીસ દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ જાેવા મળી રહ્યો છે.