Last Updated on by Sampurna Samachar
ભાજપના કાર્યાલયમાં મહિલાએ કૉલર પકડી નેતાને લાફો ઝીંક્યો
નવા નિમણૂક પામેલા સભાસદોના સ્વાગત સમારોહ દરમિયાન બનેલી ઘટનાએ નેતાઓને સ્તબ્ધ કરી દીધા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં ભાજપ કાર્યાલયમાં તે સમયે અફરાતફરી મચી ગઈ જ્યારે એક મહિલાએ ભરી સભામાં પાર્ટીના એક પદાધિકારીની ધોલાઈ કરી નાખી. નવા નિમણૂક પામેલા સભાસદોના સ્વાગત સમારોહ દરમિયાન બનેલી આ ઘટનાએ ત્યાં હાજર કાર્યકરો અને નેતાઓને સ્તબ્ધ કરી દીધા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર અત્યંત ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

માહિતી મુજબ, ભાજપ કાર્યાલયમાં પદાધિકારીઓના સન્માન માટે એક કાર્યક્રમ યોજાયો હતો. મંચ પર નેતાઓનું સ્વાગત ચાલી રહ્યું હતું, ત્યારે જ એક મહિલા તેના પુત્ર સાથે ત્યાં પહોંચી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મહિલાએ કોઈ પણ ખચકાટ વગર સીધા મંચ પર જઈને પદાધિકારીનો કોલર પકડી લીધો અને પૈસા હડપ કરવાનો આરોપ લગાવતા જોરદાર ઝાપટ મારી દીધી હતી.
જાહેરમાં પોતાનો ગુસ્સો ઠાલવ્યો
આ આખો વિવાદ પૈસાની લેતીદેતી અંગેનો હોવાનું સસાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે. ભાજપ નેતાએ પોલિસીના નામે પદાધિકારીને આશરે ૪.૫૦ લાખ રૂપિયા આપ્યા હતા. આરોપ છે કે આ રકમ સંબંધિત વ્યક્તિએ જમા કરાવી નહોતી. મહિલા લાંબા સમયથી પોતાના પૈસા પાછા માંગી રહી હતી, પરંતુ કોઈ ઉકેલ ન આવતા આખરે તેણે જાહેરમાં પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.
ચપ્પલ કાઢીને દોડી મહિલા, કાર્યકરોમાં નાસભાગ મહિલાનો ગુસ્સો એટલો વધી ગયો હતો કે, તેણે ઝાપટ માર્યા બાદ પદાધિકારીને કોલર પકડીને બહાર ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, મહિલાએ હાથમાં ચપ્પલ લઈને મારવા માટે દોટ મૂકી હતી. આ જોઈને ત્યાં હાજર કાર્યકરો વચ્ચે પડ્યા હતા અને ગાળાગાળી તેમજ ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા.
હંગામાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને પક્ષોને અલગ કરી મહિલાને કાર્યાલય પરિસરની બહાર મોકલી હતી. ત્યારબાદ જ કાર્યક્રમ ફરી શરૂ થઈ શક્યો હતો. હાલ પોલીસ આ મામલે બંને પક્ષોની પૂછપરછ કરી રહી છે અને તપાસના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ ઘટના અંગે પૂર્વ જિલ્લા પ્રમુખ સમીમ ત્રિપાઠીએ જણાવ્યું કે, આ મામલો વ્યક્તિગત પૈસાની લેતીદેતીનો હોય તેમ જણાય છે. જો આ અંગે અગાઉ જાણ હોત તો આવી સ્થિતિ ટાળી શકાઈ હોત. પાર્ટી સ્તરે બંને પક્ષો વચ્ચે સમાધાન લાવવાના પ્રયાસો કરવામાં આવશે તેવું આશ્વાસન અપાયું છે.