વિદ્યાર્થીનીની હત્યા થઈ છે કે પછી અકસ્માત અંગે ઉઠ્યા સવાલો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સ્કોટલેન્ડમાં ઘણા દિવસોથી ગુમ થયેલી ભારતીય વિદ્યાર્થીનીનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો છે. મૃતદેહ મળ્યા બાદ વિદ્યાર્થીનીના પરિવારને જાણ કરવામાં આવી છે. જોકે, વિદ્યાર્થીનીની ઔપચારિક ઓળખની પ્રક્રિયા હજુ ચાલુ છે. મૃતદેહ મળ્યા બાદ પ્રશ્નો ઉઠવા લાગ્યા છે કે વિદ્યાર્થીનીની હત્યા થઈ છે કે પછી અકસ્માત છે. આ મહિનાની શરૂઆતમાં ૬ ડિસેમ્બરના રોજ ૨૨ વર્ષીય ભારતીય વિદ્યાર્થીની ગુમ થઈ હતી.
કેરળની સંત્રા સાજુએ સ્કોટલેન્ડની રાજધાની એડિનબર્ગની હેરિયટ-વોટ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. સ્કોટલેન્ડમાં પોલીસે કહ્યું કે, વિદ્યાર્થીનીનો મૃતદેહ એડિનબર્ગ નજીકના ગામ ન્યુબ્રિજ પાસે નદીમાંથી મળી આવ્યો હતો. પોલીસે કહ્યું કે, “૨૭ ડિસેમ્બરના રોજ આશરે ૧૧.૫૫ કલાકે ન્યૂબ્રિજ નજીક પાણીમાં એક મૃતદેહ મળી આવ્યો હતો.
પોલીસે વધુમાં કહ્યું કે, ઔપચારિક ઓળખ હજુ બાકી છે, જોકે ૨૨ વર્ષીય સંત્રા સાજુના પરિવારને જાણ કરવામાં આવી છે. મૃત્યુને શંકાસ્પદ ગણવામાં આવી રહ્યું નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સ્કોટલેન્ડની પ્રોસિક્યુશન સર્વિસ અને મૃત્યુ તપાસ સંસ્થા પ્રોક્યુરેટર ફિસ્કલને એક રિપોર્ટ મોકલવામાં આવશે. સંત્રા સાજુ છેલ્લે ૬ ડિસેમ્બરની સાંજે લિવિંગસ્ટનના અલ્મંડવેલમાં અસડા સુપરમાર્કેટ સ્ટોરમાં CCTV માં જોવા મળી હતી. પોલીસે તાત્કાલિક ગુમ વ્યક્તિની અપીલ જારી કરી, જેમાં સંત્રા સાજુને લગભગ ૫ ફૂટ ૬ ઇંચ લાંબી, ભારતીય, પાતળું શરીર, ટૂંકા કાળા વાળ સાથે વર્ણવવામાં આવી હતી.
CCTV ફૂટેજમાં તેણીએ ફર-લાઇનવાળા હૂડ સાથે એક કાળા રંગનું જેકેટ, ફરી ઇયરમફ અને બ્લેક ફેસમાસ્ક પહેર્યું હતું. પોલીસની અપીલ પછી એવું માનવામાં આવતું હતું કે, કોઈ તેને ઓળખી જશે. પોલીસ ઇન્સ્પેક્ટર એલિસન લોરીએ કહ્યું કે, સંત્રાએ શુક્રવારે સાંજે બર્નવેલના એક સ્થળેથી બ્લેક એન્ડ વ્હાઇટ શોપર સ્ટાઇલ બેગ ઉપાડી હતી, પરંતુ જ્યારે તે સુપરમાર્કેટમાં પ્રવેશી ત્યારે તેની પાસે તે નહોતું. પોલીસે કહ્યું કે, તેઓ CCTV ફૂટેજની સમીક્ષા કરવાનું ચાલુ રાખી રહ્યા છે અને સુપરમાર્કેટમાંથી સંત્રાના ફોટોગ્રાફ્સ જાહેર કરવામાં આવી રહ્યા છે આશા છે કે કોઈ તેને ઓળખી શકે.