Last Updated on by Sampurna Samachar
CM યોગી સોંપવાના હતા સરકારી પદની જવાબદારી, પરંતુ રિંકુ સિંહ ના રહ્યો હાજર
સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહને યુપી સરકારમાં નોકરી મળી રિંકુ ટી૨૦ વર્લ્ડ કપ વિજેતા ટીમનો મુખ્ય સભ્ય હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહને યુપી સરકારમાં નોકરી મળી છે. રિંકુ હાલમાં ભારતની ટી૨૦ ટીમનો મુખ્ય સભ્ય હતો. તે તાજેતરમાં વર્લ્ડ કપ વિજેતા ટીમનો પણ ભાગ હતો. પરિણામે યુપી સરકારે રિંકુને પ્રાદેશિક રમતગમત અધિકારી તરીકે નિયુક્ત કર્યો છે. તે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસેથી નિમણૂક પત્ર મેળવવા માટે કાર્યક્રમમાં હાજર રહ્યો નહોતો. તેની ગેરહાજરી પાછળનું કારણ હવે સામે આવ્યું છે.

લખનૌના લોકભવનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રમતગમત ક્ષેત્રે યોગદાન આપનારા ખેલાડીઓને સરકારી નોકરી આપીને સન્માનિત કર્યા હતા. ભારતીય ક્રિકેટર રિંકુ સિંહ પણ આ સમારોહમાં ભાગ લે તેવી અપેક્ષા હતી, પરંતુ તે હાજર રહ્યો નહોતો. એવું જાણવા મળ્યું છે કે રિંકુ અનિવાર્ય સંજોગોને કારણે તેનો નિમણૂક પત્ર લેવા માટે હાજર રહી શક્યો નહોતો.
પ્રાદેશિક રમતગમત અધિકારીની જવાબદારી કોને સોંપાઈ ?
CM યોગીએ છ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને સરકારી નોકરી એનાયત કરી. તેમણે રાજકુમાર પાલ (હોકી ખેલાડી) અને પ્રવીણ કુમારને ડીએસપી પદ માટે નિમણૂક પત્રો આપીને સન્માનિત કર્યા. તેમણે પેરાલિમ્પિક ખેલાડી અજિત સિંહ અને પેરાલિમ્પિક ખેલાડી સિમરનને જિલ્લા પંચાયત રાજ અધિકારી તરીકે નિયુક્ત કર્યા. વધુમાં પેરાલિમ્પિક ખેલાડી પ્રીતિપાલને બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. રિંકુ આ કાર્યક્રમમાં હાજરી આપી શક્યો નહોતો, પરંતુ તે પ્રાદેશિક રમતગમત અધિકારીની જવાબદારી સંભાળશે.
માત્ર યુપી સરકાર જ નહીં, રિંકુ સિંહને KKR માં પણ એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. ૨૦૨૬ની આઈપીએલ સીઝન માટે તે કોલકાતા નાઈટ રાઇડર્સના વાઈસ-કેપ્ટન તરીકે સેવા આપશે. અજિંક્ય રહાણે ફરી એકવાર KKR નું સુકાન સંભાળશે.
તાજેતરમાં જાહેરાત કરવામાં આવી હતી કે, કોલકાતા નાઈટ રાઇડર્સના ભવિષ્યને ધ્યાનમાં રાખીને રિંકુને ટીમનો વાઈસ-કેપ્ટન બનાવાયો છે. કોચિંગ સ્ટાફ અને કેપ્ટન અજિંક્ય રહાણેનો ઉદ્દેશ્ય આગામી સિઝન માટે રિંકુને તૈયાર કરવાનો છે. રિંકુને ઘરેલુ ક્રિકેટમાં કેપ્ટનશીપનો અનુભવ છે અને હવે તે IPLમાં પણ નેતૃત્વની ભૂમિકા માટે તૈયાર થઈ રહ્યો છે.