Last Updated on by Sampurna Samachar
સબરીમાલા મંદિરમાં સોનાની ચોરીનો મામલો
સોનાની પ્લેટ્સ ગાયબ થઈ હોવાની ફરિયાદ સામે આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં સોનાની ચોરીના કેસમાં મોટો વળાંક આવ્યો છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે મંદિરના મુખ્ય પુજારી કંડારારુ રાજીવારુને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા છે. આ કાર્યવાહી મંદિર પરિસરમાંથી કિંમતી સોનાની પ્લેટ્સ ગાયબ થવાની તપાસ દરમિયાન કરવામાં આવી છે. નોંધનીય છે કે, થોડા દિવસ અગાઉ મંદિરમાં ચોરીનો બનાવ સામે આવ્યો હતો, જે બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સરકારે SIT ની રચના કરી હતી.

સબરીમાલા મંદિર ભગવાન અય્યપ્પાનું મુખ્ય તીર્થસ્થાન છે, જ્યાં દર વર્ષે લાખો ભક્તો દર્શન કરવા આવે છે. મંદિરમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલા સોનાના આભૂષણો અને અન્ય કિંમતી વસ્તુઓનો મોટો સંગ્રહ છે. તાજેતરમાં મંદિરના ગર્ભગૃહના દ્વારપાલક મૂર્તિઓ અને દરવાજાની ફ્રેમ પર મૂકેલી સોનાની પ્લેટ્સ ગાયબ થઈ હોવાની ફરિયાદ સામે આવી હતી.
રાજકીય દ્રષ્ટીએ સંવેદનશીલ છે સબરીમાલા મંદિર
આ કેસની ગંભીરતા જોતાં કેરળ સરકારે SIT ની રચના કરી હતી. તપાસમાં ખુલાસો થયો છે કે ચોરીની ઘટના મંદિરના આંતરિક પક્ષ સાથે જોડાયેલી હોઈ શકે છે. મુખ્ય પુજારી કંડારારુ રાજીવારુ, જેઓ મંદિરના સૌથી વરિષ્ઠ ધાર્મિક અધિકારી છે, જેમની પાસે પૂજા સામગ્રી અને આભૂષણો સુધી સીધી પહોંચ છે, તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. SIT ને શંકા છે કે તેઓ આ કેસમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
પુજારીની કસ્ટડીએ આ મામલાને વધુ સંવેદનશીલ બનાવી દીધો છે. આ ઉપરાંત મંદિર સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ પૂછપરછ ચાલી રહી છે. સબરીમાલા મંદિર માત્ર ધાર્મિક આસ્થાનું જ કેન્દ્ર નથી, પરંતુ રાજકીય દ્રષ્ટીએ પણ તે ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવી રહ્યું છે.