Last Updated on by Sampurna Samachar
ચૂંટણી પંચની વિશ્વસનીયતા હાલમાં સૌથી ઓછી
DMK અને TMC એ ઉઠાવ્યા સવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચૂંટણી પંચે મતદાર યાદીઓના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝનના બીજા તબક્કાની જાહેરાત કરી હતી. આ તબક્કા હેઠળ દેશના ૧૨ રાજ્યોમાં SIR કરવામાં આવશે. જોકે, ચૂંટણી પંચના આ એલાનથી રાજકીય વિવાદ પણ શરૂ થઈ ગયો છે. ઘણા રાજકીય પક્ષોએ ચૂંટણી પંચની આ જાહેરાત પર સવાલ ઉઠાવ્યા છે અને તમિલનાડુની શાસક DMK એ તો ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર જ સવાલ ઉઠાવ્યા છે.

DMK ના પ્રવક્તા સર્વાનન અન્નાદુરઈએ સવાલ કર્યો કે, ‘ આસામમાં SIR કેમ કરવામાં નથી આવી રહ્યું ? SIR પ્રક્રિયા ક્યારથી નાગરિકતા ચકાસણી પ્રક્રિયા બની ગઈ બિહારમાં ચૂંટણી પંચને કેટલા નકલી કે ગેરકાયદેસર મતદારો મળ્યા ? એવા ઘણા સવાલો છે જેના જવાબ ચૂંટણી પંચે આપવાના છે.
ચૂંટણી પંચની વિશ્વસનીયતા હાલમાં સૌથી ઓછી
DMK ના પ્રવક્તાએ ૨૦૦૩ને કટઓફ વર્ષ રાખવા પર ઉઠાવ્યા અને પૂછ્યું કે, ‘૨૦૦૩ને જ કેમ આધાર બનાવવામાં આવ્યો. આનાથી કોને ફાયદો થશે? આ અંગે કોઈ સ્પષ્ટ દિશા-નિર્દેશ આપવામાં નથી આવ્યો.‘ DMK એ કહ્યું કે, ‘અમે જોઈ રહ્યા છીએ કે ચૂંટણી પંચ ભાજપ સાથે મળીને કામ કરી રહ્યું છે અને વોટ ચોરીમાં સામેલ છે. ચૂંટણી પંચની વિશ્વસનીયતા હાલમાં સૌથી ઓછી છે.
પશ્ચિમ બંગાળમાં પણ SIR પ્રક્રિયા લાગુ કરવામાં આવશે. TMC એ આ અંગે કહ્યું કે, ‘અમે પણ પારદર્શક મતદાર યાદીના પક્ષમાં છીએ. સમગ્ર પ્રક્રિયા લોકશાહી રીતે હાથ ધરવામાં આવશે, પરંતુ જો કાયદેસર મતદારોને હેરાન કરવામાં આવશે તો અમે તેનો વિરોધ કરીશું. રાજ્ય સરકાર રાજ્ય ધર્મ નિભાવશે. અમને આશા છે કે ચૂંટણી પંચ રાજકીય દબાણ હેઠળ એવું કંઈ નહીં કરશે. જેનાથી અમારે તેનો વિરોધ કરવો પડે.
બીજી તરફ પશ્ચિમ બંગાળ ભાજપે ટીએમસીના નિવેદનન પર નિશાન સાધ્યું. ભાજપ નેતા કેયા ઘોષે કહ્યું કે, ભાજપનું માનવું છે કે બંગાળમાં કોઈ નકલી કે ગેરકાયદેસર મતદાર ન હોવા જોઈએ. મમતા બેનર્જીની સરકાર SIR થી ડરે છે કારણ કે તેની વોટ બેંકમાં રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઘૂસણખોરો સામેલ છે. ટીએમસીને ડર છે કે SIR મતદાર યાદીમાંથી ગેરકાયદેસર મતદારોના નામ નીકળી જશે.
ભાજપ પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ કહ્યું કે, ‘ચૂંટણીની ગરિમા જાળવી રાખવી અને મતદાર યાદીમાં સુધારો કરવો એ ચૂંટણી પંચની બંધારણીય ફરજ છે અને અમે SIR ના બીજા તબક્કાનું સ્વાગત કરીએ છીએ. જોકે, I.N.D.I.A ગઠબંધન તેનો વિરોધ કરી રહ્યું છે, જોકે, તેણે પોતે મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણીઓ પહેલાં SIR ની માંગણી કરી છે.
તેઓ SIR પર નિશાન સાધીને પોતાના પરિવારોને બચાવવા માંગે છે.‘ ભાજપના નેતા દિલીપ ઘોષે કહ્યું કે, ‘વિપક્ષ દ્વારા રાષ્ટ્રીય હિતના દરેક કામનો વિરોધ કરવામાં આવે છે. SIR પ્રક્રિયામાં કોઈપણ સાચા મતદારના નામ નહીં નીકળશે પરંતુ ગેરકાયદેસર અને નકલી મતદારો પર રોક લાગશે. કોઈપણ બાંગ્લાદેશી ભારતીય મતદાર ન બની શકે. અમને આશા છે કે રાજ્ય સરકારો સહયોગ કરશે અને તેમની જવાબદારીઓ નિભાવશે.
 
				 
								