કલ્કિ કોચલીએ જિંદગીના મુશ્કેલ સમયની કહી વાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
કલ્કિ કોચલીને અનુરાગ કશ્યપની ફિલ્મ ‘દેવ ડી’થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. હવે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, એક્ટ્રેસે જણાવ્યું કે અનુરાગ કશ્યપ સાથે ડિવોર્સ લીધા પછી તેના જીવન અને કરિયરમાં કેવા પડકારો આવ્યા હતા.‘દેવ ડી’માં તેની ભૂમિકા માટે પ્રશંસા મળવા છતાં, કલ્કીએ ખુલાસો કર્યો કે તેને બે વર્ષથી કોઈ કામ નહોતું મળ્યું. ઇન્ટરવ્યુમાં કલ્કીએ આ સમયગાળાને તેના પ્રોફેશનલ જીવનનો મહત્ત્વપૂર્ણ ભાગ ગણાવ્યો હતો.
તેણે કહ્યું કે ‘દેવ ડી’પછી તેની બીજી ફિલ્મ ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ હતી. કલ્કીએ કહ્યું- “દેવ ડી પછી લગભગ બે વર્ષ સુધી મારી પાસે બીજી કોઈ ફિલ્મ નહોતી. ત્યારપછી મને ફિલ્મ ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ મળી હતી.”આ બે વર્ષના અંતરાલ દરમિયાન, કલ્કી એક થિયેટર ગ્રુપમાં જોડાઈ જ્યાં તેણે એક નાટકને પ્રોડ્યુસ કરવાનું શરૂ કર્યું. કલ્કીએ કહ્યું કે આ સમય દરમિયાન તેણે વડાપાવ ખાઈને અને લોકલ ટ્રેનમાં મુસાફરી કરીને દિવસો પસાર કર્યા હતા.સફળતા વિશે લોકોની ધારણા વિશે વાત કરતા કલ્કીએ કહ્યું કે લોકો તેને લોકલ ટ્રેનમાં જોઈને આશ્ચર્યચકિત થઈ જતા હતા. લોકો તેને પૂછતા હતા કે તેની પાસે બોડીગાર્ડ કેમ નથી? એક્ટ્રેસે જણાવ્યું કે પૈસાની અછતને કારણે તેને ઘણી અલગ-અલગ ભૂમિકાઓ કરવી પડી હતી.
એક્ટ્રેસે જણાવ્યું કે અનુરાગ કશ્યપથી અલગ થયા બાદ તેને મુંબઈમાં ઘર નહોતું મળ્યું રહ્યું. કલ્કીએ કહ્યું કે, ‘સિંગલ વુમન હોવાને કારણે મને મુંબઈમાં કોઈ ઘર નહોતું આપતું. મને લાગતું હતું કે હું ફેમસ છું, તમે લોકો મારી સાથે સેલ્ફી લેવા માંગો છો, તો પછી તમે મને ઘર કેમ નથી આપતા.’કલ્કિએ વર્ષ ૨૦૧૧માં અનુરાગ કશ્યપ સાથે લગ્ન કર્યા હતા. જોકે, ૨૦૧૫માં બંનેએ છૂટાછેડા લીધા હતા. આ પછી કલ્કીએ ગયા વર્ષે તેના બોયફ્રેન્ડ ગાય હર્ષબર્ગ સાથે લગ્ન કર્યા હતા. હવે બંનેને એક પુત્રી છે.