Last Updated on by Sampurna Samachar
આ ખાનગી કંપનીના સિમ કાર્ડ એજન્ટ પાસેથી ૧૫ સિમકાર્ડ મળી આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવું સીમ કાર્ડ ખરીદવા માટે આધાર કાર્ડ રજૂ કરનારા નાગરિકોને કંપનીના એજન્ટ પર પણ વિશ્વાસ ન રહે તેવો કિસ્સો બહાર આવ્યો છે. એરટેલ કંપનીનો સિમ કાર્ડ એજન્ટ સિમ કાર્ડ ખરીદી કરતા ગ્રાહકોની જાણ બહાર તેમના આધારકાર્ડ થકી અન્ય વ્યક્તિઓના ફોટો અપલોડ કરી બારોબાર સિમ કાર્ડ વેચી મારતો હતો. SOG એ દોલારાણા વાસણા ગામના ઈસમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીની સૂચનાથી SOG પીઆઈ વી ડી વાળાનાં સુપરવિઝન હેઠળ સ્ટાફના માણસો પેથાપુર પોલીસ મથકની હદ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. દરમિયાન બાતમી મળી હતી કે, એરટેલ કંપનીનો એજન્ટ સાગર સદાજી ચૌહાણ કંપનીના પ્રિ-એકટીવ કરેલા સિમકાર્ડ રાખી કોઈપણ પ્રકારના આધાર પુરાવા લીધા વગર સિમકાર્ડનુ વેચાણ કરે છે. જેને પેથાપુર ફતેપુરા ત્રણ રસ્તા નજીકથી સાગરને દબોચી લીધો હતો. સાગર પાસેથી એરટેલ કંપનીના ૧૫ સિમકાર્ડ મળી આવ્યા હતા. જેમાથી ચાર સીમકાર્ડ એક્ટિવ કરેલા હતા.
SOG ની તપાસમાં વધુ બહાર આવ્યું છે કે, સાગર છેલ્લા બે મહિનાથી સિમકાર્ડ વેચવા માટે એરટેલ કંપનીમાં એજન્ટ તરીકે કામ કરી રહ્યો છે. કંપની તરફથી તેને એરટેલ મિત્રા એપ્લિકેશન ઓપરેટ કરવા ID – મોબાઇલ આપવામાં આવેલો છે. જેનાં થકી ગ્રાહકોને સીમકાર્ડનું વેચાણ કરતો હતો. ઉપરોક્ત કંપનીના એજન્ટ મહેન્દ્રસિંહ બાપુ પાસેથી અનએક્ટીવ સિમકાર્ડ મેળવી વેચાણ કરતો હતો.