Last Updated on by Sampurna Samachar
સુરતના સોની દીપક ચોક્સી ભારતીય મહિલા ટીમને આપશે ખાસ ભેટ
મહિલા ટીમે સેમીફાઈનલમાં પ્રદર્શન કર્યુ તે પ્રમાણે નિર્ણય કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતના જ્વેલર્સનો ભારતીય મહિલા ક્રિકેટની જીત પર મોટી ભેટ આપવાનો ર્નિણય લીધો હતો તે પ્રમાણેનું જ પરિણામ આવ્યું છે. ભારતીય મહિલા ટીમે સેમીફાઈનલમાં જે પ્રમાણેનું પ્રદર્શન કર્યું હતું ત્યારે જ જ્વેલર્સ દીપક ચોક્સીએ ર્નિણય લઈ લીધો હતો કે જો ભારતીય ટીમ ફાઈનલ જીતે છે તો તેમને ચાંદીના સ્ટમ્પ અને બેટ ભેટમાં આપીશું.

આ માટે તેમણે પોતાના જ્વલરી શો-રૂમ તરફથી ટૂંકાગાળામાં લીધેલા ર્નિણય પ્રમાણે કામગીરી કરીને ચાંદીના ત્રણ સ્ટમ્પ્સ અને બેટ તૈયાર કરીને ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ભેટ આપવા માટેની તમામ તૈયારીઓ કરી દીધી છે. દીપક ચોક્સીએ જણાવ્યું છે કે, બહુ ટૂંકા સમયમાં આ અંગેનો ર્નિણય લેવામાં આવ્યો હતો અને ઝડપી કામગીરી કરીને સ્ટમ્પ્સ અને બેટ તૈયાર કરવામાં આવ્યા છે. આ સાથે તેમના પત્ની શીતલ ચોક્સીએ પણ ટીમની જીત માટે આનંદ વ્યક્ત કરીને સિલ્વર પ્લેટેડ એટલે કે ચાંદીના બેટ અને સ્ટમ્પ્સની બનાવટ અંગે વાત કરી છે.
૩ સ્ટમ્પ અને બેટ બનાવવા માટે ૩૪૦ ગ્રામ ચાંદીનો ઉપયોગ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા સામે રમાયેલી વનડે વર્લ્ડ કપ ૨૦૨૫ની ફાઈનલમાં ૫૨ રનથી જીત હાંસલ કરી છે. આ જીતમાં શેફાલી વર્મા અને દીપ્તિ શર્માનું મહત્વનું યોગદાન રહ્યું હતું અને તેમની મદદથી ભારતીય ટીમને જીત હાંસલ કરવામાં મહત્વની સફળતા હાથ લાગી છે.
ભારતીય મહિલા ટીમની સિદ્ધિને બિરદાવવા માટે સુરતના જ્વેલ્સ દીપક ચોક્સી દ્વારા કિંમતી સ્ટમ્પ અને બેટ બનાવવામાં આવ્યા છે. આ ચાંદીના ૩ સ્ટમ્પ અને બેટ બનાવવા માટે ૩૪૦ ગ્રામ ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ભારતીય ટીમ સેમીફાઈનલ રમી રહી હતી ત્યારે જ દીપક ચોક્સીએ ટીમનું ચેમ્પિયન બનવાનું સપનું જોઈ લીધું હતું. કારણ કે તેમને ટીમ ફાઈનલ જીતી ત્યારે સ્ટમ્પ તૈયાર કરી દેવામાં આવ્યા હતા. આ અંગે વાત કરીને દીપક ચોક્સીએ જણાવ્યું કે, ભારતીય મહિલા ટીમ જ્યારે સેમીફાઈનલ મેચ રમી રહી હતી ત્યારે અમને વિચાર આવ્યો કે, ફાઈનલમાં ભારતીય ટીમની જીતની તક ઉજળી છે, ટીમ જે ઉત્સાહ સાથે પ્રદર્શન કરી રહી હતી તે જોતા અમે ભવિષ્યમાં તેમનો ઉત્સાહ વધારવા માટેનું આયોજન કર્યું હતું.
આગળ દીપક ચોક્સીએ જણાવ્યું કે, ટીમનો ઉત્સાહ વધે તે માટે અમે શો-રૂમ તરફથી કંઈક ભેટ આપવા માગતા હતા. જેના માટે અમે ચાંદીનું બેટ અને ૩ સ્ટમ્પ બનાવ્યા છે. જ્યારે સેમીફાઈનલ મેચ ચાલી રહી હતી ત્યારે જ આ ભેટ અંગેનો ર્નિણય લીધો હતો અને બહુ જલદી થોડા જ દિવસમાં બેટ અને સ્ટમ્પ બનાવ્યા છે. અમે અમારા જ્વેલરી શો-રૂમ તરથી આ સ્ટમ્પ અને બેટ ટીમને ભેટ કરવા માગીએ છીએ, જલદી અમે આ ટીમ સુધી પહોંચાડવા માગીએ છીએ. તેમના પત્ની શીતલ ચોક્સીએ પણ ટીમને જીતની શુભેચ્છા આપી છે.