Last Updated on by Sampurna Samachar
ભારતીય ટીમની પહેલી ઈનિંગ ૧૮૫ રનમાં જ સમેટાઈ ગઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ખાતે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની અંતિમ અને પાંચમી ટેસ્ટ મેચ શરૂ થઈ. ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ર્નિણય લીધો હતો. ભારતીય ટીમની પહેલી ઈનિંગ ૧૮૫ રનમાં જ સમેટાઈ ગઈ. જોકે પ્રથમ દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં ઓસ્ટ્રેલિયાની પણ એક વિકેટ પડી ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ એક વિકેટ ગુમાવીને ૯ રન કર્યા છે. આ સિરીઝમાં ઓસ્ટ્રેલિયા ૨-૧થી આગળ છે. મેચમાં ભારતીય ટીમની કેપ્ટન્સી રોહિત શર્માની જગ્યાએ જસપ્રીત બુમરાહ કરી રહ્યો છે.
ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખુબ જ નબળી રહી. ધડાધડ વિકેટો પડતી ગઈ. જોકે પ્રથમ ઈનિંગમાં સૌથી વધુ રન ઋષભ પંતે (૪૦) કર્યા. જ્યારે કેપ્ટન જસપ્રીત બુમરાહે પણ નમતુ ન ઝોખતા ૧૭ બોલમાં ૨૨ રન કર્યા. જેમાં ૩ ચોગ્ગા અને એક છગ્ગો સામેલ છે. આ સિવાય વિરાટ કોહલી ૬૯ બોલમાં ૧૭ રન, શુભમન ગિલ ૬૪ બોલમાં ૨૦ રન, રવિન્દ્ર જાડેજા ૯૫ બોલમાં ૨૬ રન, જ્યારે નીતિશ રેડ્ડી શૂન્ય રને, કે એલ રાહુલ ૪ રન, પ્રસિદ્ધ ક્રિષ્ણાએ ૩ રન કર્યા જ્યારે સિરાજ ૩ રન સાથે અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ વિકેટ સ્કોટ બોલેન્ડે ૪ વિકેટ લીધી. જ્યારે મિચેલ સ્ટાર્કે ૩ વિકેટ, પેટ કમિન્સે ૨ અને નથાન લિયોને ૧ વિકેટ લીધી હતી. આમ ભારતની પ્રથમ ઈનિંગ ૭૨.૨ ઓવરોમાં ૧૮૫ રનમાં સમેટાઈ ગઈ હતી.
બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા તરફથી સેમ કોન્સ્ટાસ અને ઉસ્માન ખ્વાજાએ ઈનિંગની શરૂઆત કરી. જાે કે ખ્વાજા ૨ રનના અંગત સ્કોર જસપ્રીત બુમરાહની બોલિંગાં આઉટ થઈ ગયો. ઓસ્ટ્રેલિયા હજુ ૧૭૬ રન પાછળ છે. આજના દિવસનો ખેલ પૂરો થઈ ગયો છે. દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ ૧ વિકેટ ગુમાવીને સ્કોરબોર્ડ પર ૩ ઓવરમાં ૯ રન નોંધાવ્યા છે.
પ્લેઈંગ ઈલેવન
ભારત : યશસ્વી જયસ્વાલ, કે એલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકિપર), રવિન્દ્ર જાડેજા, નીતિશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ (કેપ્ટન), પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયા : સેમ કોન્સ્ટાસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રાવિસ હેડ, બ્યુ વેબસ્ટર, એલેક્સ કેરી (વિકેટકિપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ