Last Updated on by Sampurna Samachar
દુર્ઘટના કેસમાં પોલીસે બે લોકોની ધરપકડ કરાઇ
રાઈડમાં ફસાયેલા લોકોને બચાવવામાં ઘણી બહાદુરી બતાવી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ફરીદાબાદના સુરજકુંડ મેળામાં એક દુર્ઘટના સર્જાઈ હતી. સુરજકુંડ મેળામાં અચાનક એક રાઈડ ધડામ કરતા તૂટી પડી હતી, જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને બચાવવાના પ્રયાસમાં ડ્યુટી પર તૈનાત ૫૮ વર્ષીય SI જગદીશ પ્રસાદનું મૃત્યુ થયું હતું. તેમને ૨૦૧૯-૨૦ માં હરિયાણાના રાજ્યપાલે પોલીસ મેડલથી સન્માનિત કર્યા હતા.

એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, પ્રસાદ ૧૯૮૯માં હરિયાણા આર્મ્ડ પોલીસમાં જાેડાયા હતા. માર્ચ મહિનામાં ૩૬ વર્ષની સેવા પૂર્ણ કરીને તેઓ નિવૃત્ત થવાના હતા. તેમણે રાઈડમાં ફસાયેલા લોકોને બચાવવામાં ઘણી બહાદુરી બતાવી, પરંતુ આ દરમિયાન તેમને ગંભીર ઇજાઓ થઈ હતી. જેના કારણે તેમનું અવસાન થયું.
રાઈડના માલિક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો
હરિયાણાના DGP અજય સિંઘલે આ બહાદુર અધિકારી માટે ૧ કરોડ રૂપિયાના વળતર અને તેમના પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે. DGP એ કહ્યું કે, જગદીશ પ્રસાદને શહીદનો દરજ્જો આપવામાં આવશે, કારણ કે તેમણે અન્ય લોકોના જીવ બચાવવાના પ્રયાસમાં પોતાનો જીવ કુર્બાન કર્યો છે.
નોંધનીય છે કે, સાંજના સમયે મેળામાં રાઈડ અચાનક તૂટી પડી હતી. તે સમયે રાઈડમાં આશરે ૧૯ લોકો બેઠા હતા. આ અકસ્માતમાં ૧૧ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને બચાવવા ગયેલા એસઆઈ જગદીશ પ્રસાદનું મોત થયું હતું. હરિયાણાના પર્યટન મંત્રી અરવિંદ શર્માએ જણાવ્યું કે, તમામ ઈજાગ્રસ્તો હવે ખતરાથી બહાર છે. અધિકારીઓએ કહ્યું કે, આ દુર્ઘટનાની તપાસ કરવા માટે એક કમિટી બનાવવામાં આવી છે. રાઈડના માલિક વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો છે.
સુરજકુંડ દુર્ઘટના કેસમાં પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. આમાં હિમાચલ કેર ફન કેરના માલિક શાકિર મોહમ્મદ અને અન્ય આરોપી નિતેશનો સમાવેશ થાય છે. ઝૂલો તૂટ્યો હતો તેનો માલિક શાકિર મોહમ્મદ છે અને તેનું નામ FIR માં પણ નોંધાયેલું છે.
જગદીશ પ્રસાદના અચાનક અવસાનથી તેમના પૈતૃક ગામ મથુરા જિલ્લાના ડેંગરામાં શોક છવાયો છે. તેમના પરિવારમાં પત્ની સુધા, બે પુત્રીઓ નિધિ-દીપ્તિ અને પુત્ર ગૌરવ છે. ત્રણેય બાળકો હાલ અભ્યાસ કરે છે. પત્ની સુધા બાળકો સાથે સોનીપત પોલીસ લાઇન્સના સરકારી ક્વાર્ટરમાં રહે છે.
જગદીશ પ્રસાદના ભાઈ પ્રદીપે જણાવ્યું કે, અમને રાત્રે ૮ વાગ્યે આ દુ:ખદ સમાચાર મળ્યા. તેમના અન્ય ભાઈ સતીશ ચંદ્ર બલ્લભગઢમાં કેમિકલ ફેક્ટરીમાં કામ કરે છે, જ્યારે ચંદ્રભાન સિંહ ફરીદાબાદમાં મોટર કંપનીમાં કાર્યરત છે. પિતા સૂરજમલ અને માતા શાંતિ દેવી ગામમાં જ રહે છે.