Last Updated on by Sampurna Samachar
વર્ષ ૨૦૨૦ માં મંદિરના નિર્માણનું કાર્ય શરુ થયું
કળશ અને ધ્વજની પણ સ્થાપના
(સંપૂર્ણ સમાચાર સેવા)
અયોધ્યામાં આવેલું હિંદુ ધર્મનું પવિત્ર તીર્થસ્થળ રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ થયું છે. આશરે ૫૦૦ વર્ષની રાહ જોયા બાદ અયોધ્યા રામ મંદિર હવે સંપૂર્ણપણે તૈયાર થઈ છે. વર્ષ ૨૦૨૦ માં મંદિરના નિર્માણનું કાર્ય શરુ થયું હતું, જેનું ઉદ્ઘાટન ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ માં થયું હતું, પરંતુ કેટલુંક બાંધકામ ચાલુ હતું. જોકે, હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, અયોધ્યામાં રામ મંદિર નિર્માણકાર્ય સાથે જોડાયેલ તમામ કાર્ય પૂર્ણ થઈ ગયું છે.

શ્રીરામ મંદિરમાં મુખ્ય મંદિર, ભગવાન શિવ, ભગવાન ગણેશ, ભગવાન હનુમાન, સૂર્યદેવ, દેવી ભગવતી, દેવી અન્નપૂર્ણા અને શેષાવતારના છ કિલ્લાવાળા મંદિરોનો સમાવેશ થાય છે. રામ મંદિરના બાંધકામ પૂર્ણ થયા પછી કિલ્લાની દિવાલની અંદર છ મંદિરોમાં ધ્વજદંડ અને કળશ સ્થાપિત કરવામાં આવ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ પોસ્ટ શેર કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે, પ્રભુ શ્રી રામના તમાન ભક્તોને જણાવતા આનંદ થાય છે કે, મંદિરનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે.
જટાયુ અને ખિસકોલીની મૂર્તિઓ પણ સ્થાપિત કરાઇ
આ ઉપરાંત સપ્ત મંડપનું બાંધકામ એટલે કે મહર્ષિ વાલ્મીકિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, નિષાદરાજ, શબરી અને ઋષિની પત્ની અહલ્યાના મંદિરોનું બાંધકામ પણ પૂર્ણ થઈ ગયું છે. સંત તુલસીદાસજીનું મંદિર પણ પૂર્ણ થઈ ગયું છે. જટાયુ અને ખિસકોલીની મૂર્તિઓ પણ સ્થાપિત થઈ ચૂકી છે.