Last Updated on by Sampurna Samachar
પંજાબ કિંગ્સના કેપ્ટને આપી હતી સૂચના
હું તેને છેલ્લા ૧૦-૧૫ વર્ષથી ઓળખું છું , તે બદલાયો નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત ટાઇટન્સ સામેની અંતિમ ઓવરમાં શશાંક સિંહની આક્રમક બેટિંગને કારણે શ્રેયસ ઐય્યર ઈન્ડિયન પ્રીમિયર લીગ IPL ૨૦૨૫માં તેની પ્રથમ સદી ચૂકી ગયો હતો. પંજાબની ઈનિંગની ૨૦ મી ઓવર શરૂ થઈ ત્યારે શ્રેયસ (Shreyas) ઐયર ૯૭ રન બનાવીને નોન-સ્ટ્રાઈકર છેડે ઊભો હતો.
મોહમ્મદ સિરાજની આ ઓવરમાં શશાંકે પાંચ ચોગ્ગા ફટકાર્યા. જેના કારણે અય્યરને બેટિંગ કરવાની તક મળી ન હતી. ૪૪ રનની અણનમ ઇનિંગ રમનાર શશાંકે કહ્યું કે અય્યરે તેને સ્ટ્રાઇક રોટેટ કરવાનું કહ્યું નહોતું. આ બેટ્સમેને પાછળથી ખુલાસો કર્યો કે પંજાબ કિંગ્સના કેપ્ટને તેની સદીને ધ્યાનમાં લીધા વિના મોટા શોટ રમવાની સૂચના આપી હતી.
શ્રેયસથી મને વધુ આત્મવિશ્વાસ મળ્યો
પંજાબ કિંગ્સની ૧૧ રનની જીત બાદ શશાંકે કહ્યું કે, સાચું કહું તો, મેં સ્કોરબોર્ડ તરફ જોયું ન હતું. પરંતુ પ્રથમ બોલ પર ચોગ્ગો માર્યા પછી, મેં સ્કોરબોર્ડ તરફ જોયું અને શ્રેયસ ૯૭ રન પર હતો. મેં કશું કહ્યું નહીં. તે મારી પાસે આવ્યા અને મને કહ્યું, શશાંક, મારી સદીની ચિંતા કરીશ નહીં. અલબત્ત હું તેમને કહેવા જઈ રહ્યો હતો કે એક રન આપીને તેમને સ્ટ્રાઈક આપવી જોઈએ.
શશાંકે કહ્યું કે,આ કહેવા માટે ખૂબ જ મોટા મન અને હિંમતની જરૂર છે કારણ કે T૨૦માં ખાસ કરીને IPL માં સદી સરળતાથી ફટકારી શકાતી નથી. શશાંકે જણાવ્યું કે, શ્રેયસે મને કહ્યું, શશાંક, જા અને દરેક બોલ પર ફોર કે સિક્સર મારવાની કોશિશ કર. તેનાથી મને વધુ આત્મવિશ્વાસ મળ્યો. આપણે બધા જાણીએ છીએ કે અંતે આ એક ટીમ ગેમ છે પરંતુ તેમ છતાં તે પરિસ્થિતિઓમાં આટલું નિ:સ્વાર્થ બનવું મુશ્કેલ છે. પરંતુ શ્રેયસ તેમાંથી એક છે. હું તેને છેલ્લા ૧૦-૧૫ વર્ષથી ઓળખું છું. તે બિલકુલ બદલાયો નથી.