Last Updated on by Sampurna Samachar
FPS સસ્તા અનાજના પરવાનેદારોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
પરવાનેદારો હડતાળ પર ઉતરશે અને ઉગ્ર આંદોલન કરશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઝાલાવાડ પંથકમાં સસ્તા અનાજની દુકાન ચલાવતા પરવાનેદારો (FPS) પોતાની પડતર માંગણીઓને લઈને મેદાને ઉતર્યા છે. લાંબા સમયથી ઉકેલાતા ન હોય તેવા પ્રશ્નો અને ખાસ કરીને આર્થિક મુશ્કેલીઓને દૂર કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લા FPS સસ્તા અનાજના પરવાનેદારોએ એકત્ર થઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.

દુકાનદારોના જણાવ્યા અનુસાર, છેલ્લા છ મહિનાથી તેમનું કમિશન અને રિફંડ અટવાયેલું છે. આ સમસ્યા પાછળ ટેકનિકલ કારણો જવાબદાર હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકનો IFSC કોડ બદલાવાને કારણે સિસ્ટમમાં મુશ્કેલી સર્જાઈ છે, જેના લીધે અનેક પરવાનેદારોના નાણાં જમા થઈ શક્યા નથી. છ-છ મહિનાથી વળતર ન મળતા દુકાનદારોને ઘર ચલાવવું અને દુકાનનું સંચાલન કરવું મુશ્કેલ બની ગયું છે.
સરકાર દ્વારા હાલમાં કમિશનની રકમ કટકે-કટકે આપવામાં આવે છે
આવેદનપત્રમાં દુકાનદારોએ મુખ્યત્વે બે માંગણીઓ રજૂ કરી છે. IFSC કોડના વિવાદમાં અટવાયેલું રિફંડ અને કમિશન વહેલી તકે રીલીઝ કરવામાં આવે. સરકાર દ્વારા હાલમાં કમિશનની રકમ કટકે-કટકે આપવામાં આવે છે, જેની જગ્યાએ દર મહિને એકસાથે અને રેગ્યુલર કમિશન આપવાની વ્યવસ્થા કરવામાં આવે.
દુકાનદાર એસોસિએશને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે, જો વહીવટી તંત્ર દ્વારા તેમના આ પ્રશ્નોનો તાત્કાલિક અને કાયમી નિકાલ લાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સમગ્ર જિલ્લાના સસ્તા અનાજના પરવાનેદારો હડતાળ પર ઉતરશે અને ઉગ્ર આંદોલન કરશે.