Last Updated on by Sampurna Samachar
બે પોલીસકર્મીને પણ ગોળી વાગી હોવાનું સામે આવ્યું
એન્ટી-ગેંગસ્ટર ટાસ્ક ફોર્સે કરી કામગીરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંજાબના મોહાલીમાં પોલીસ અને અસામાજિક તત્ત્વો વચ્ચે ઘર્ષણ થયાના સમાચાર છે. જેમાં મોહાલીના લાલડ્રમાં લહલી પાસે પોલીસે એન્કાઉન્ટર કર્યુ હતુ. બે દિવસ પહેલા, પ્રખ્યાત કબડ્ડી પ્રમોટર અને ખેલાડી કુંવર દિગ્વિજય સિંહ ઉર્ફે રાણા બલાચૌરિયાની મોહાલીના સોહાનાના સેક્ટર ૮૨માં એક મેદાનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

જે મામલે પોલીસ હુમલાખોરોની શોધ કરી રહી હતી. એન્કાઉન્ટરની ઘટનામાં હત્યા કેસમાં સામેલ શૂટરને ઠાર કરી દેવામાં આવ્યો છે. જ્યારે બે પોલીસકર્મીને પણ ગોળી વાગી હોવાનું સામે આવ્યું છે. મોહાલીમાં એન્ટી-ગેંગસ્ટર ટાસ્ક ફોર્સે લાલડ્રમાં લહલી નજીક એન્કાઉન્ટર દરમિયાન એક ગુનેગારને ઠાર માર્યો છે.
હુમલાખોરે સીધા રાણા બલાચૌરિયાને નિશાન બનાવ્યું
એન્કાઉન્ટરમાં બે પોલીસ અધિકારીઓને પણ ગોળી વાગી હતી. ઘાયલ અધિકારીઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ ઘટનાસ્થળે તપાસ કરી રહી છે. ગોળીબાર કરનારની ઓળખ હરપિંદર સિંહ તરીકે થઈ છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આરોપી હરપિંદર સિંહે રાણા બાલાચૌરિયાની હત્યામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પોલીસ અધિકારીઓ ટૂંક સમયમાં આ અંગે સંપૂર્ણ માહિતી શેર કરશે. પંજાબના મોહાલી શહેરના બેદવાન સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત ૪ દિવસીય ટુર્નામેન્ટ દરમિયાન ૧૫ ડિસેમ્બર અંધાધૂંધ ફાયરિંગની ઘટના બની હતી.
બાઇક પર આવેલા એક હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં કબડ્ડી ખેલાડી અને પ્રમોટર રાણા બલાચૌરિયા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જાેકે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો. ફાયરિંગ બાદ હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે પંજાબ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
બેદવાન સ્પોર્ટ્સ ક્લબમાં ચાલી રહેલા કબડ્ડી ટુર્નામેન્ટના પ્રમોટર રાણા બલાચૌરિયા પર જ હુમલો થયો હતો. આ હુમલા અંગે વાત કરતા પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, હુમલાખોરે સીધા રાણા બલાચૌરિયાને નિશાન બનાવતા ગોળીબાર કર્યો હતો. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી જતા સમયે હવામાં ફાયરિંગ કરતા ફરાર થઈ ગયો હતો, આ સમયે મેદાનમાં અફરાતફરી મચી ગઈ હતી.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ અધિકારી હરસિંહ બલ્લ ઘટના સ્થળે પહોંચ્યા અને ખુદ ઘાયલ રાણા બલાચૌરિયાને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. હોસ્પિટલમાં રાણા બલાચૌરીયાનું સારવાર દરમિયાન મોત થયું હતું.