Last Updated on by Sampurna Samachar
જરૂરિયાતમંદોની મજબૂરી પર ખેલ
૫૪ થી વધુ ખોટી કંપનીઓનો ખુલાસો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મ્યુલ એકાઉન્ટ કેસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ સામે આવ્યો છે. અમદાલાદ ક્રાઈમ બ્રાંચે મ્યુલ એકાઉન્ટ દ્વારા ઠગાઈ આચરવાના ગુનાના આરોપીઓના પોલીસે પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. બંને આરોપીઓના ક્રાઈમ બ્રાંચે ૧૦ દિવસના રિમાન્ડની માંગણી કરતા બોગસ એકાઉન્ટ મારફતે અલગ અલગ કંપનીઓ રજિસ્ટ્રેશન કરવાના સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો.

મળતી માહિતી મુજબ,આ મામલે તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપીઓ બોગસ કંપનીઓ અને બેંક એકાઉન્ટ ખોલી તેમાં સાયબર ફ્રોડનાં રૂપિયાની હેરાફેરી કરતા હતા. જેનાં માટે સૌથી પહેલા જરૂરિયાતમંદ વ્યક્તિને શોધતા અને તેના નામ પર પેઢી ઉભી કરતા, બાદમાં જરૂરી સિમકાર્ડ મેળવી, બેંક એકાઉન્ટ ખોલાવી એટીએમ કાર્ડ અને ચેકબુક, પાસબુક પોતાની પાસે રાખી લેતા, જેમાં સાયબર ફ્રોડનાં નાણાકીય વ્યવહાર થતા જેનાં પેટે કમિશન મેળવતા હતા.
આ કેસમાં મોટા ખૂલાસા થવાની શક્યતા
આરોપીની તપાસમાં સામે આવ્યું કે, છેલ્લાં ૨ થી અઢી વર્ષમાં ૫૪ થી વધુ બોગસ કંપનીઓ અને બેંક એકાઉન્ટ બનાવ્યા છે. જેમાંથી હાલ ૧૫ જેટલી કંપનીનાં એકાઉન્ટ એક્ટિવ છે. આરોપીઓ પોતાનાં ક્લાયન્ટ માટે બોગસ કંપની અને બેંક એકાઉન્ટ તેમજ મ્યૂલ એકાઉન્ટ ખોલાવી તેમાંથી મોટી રકમ ઉપાડી આપતા અને ૦.૫૦ પૈસા કમિશન મેળવતા હતા.
જોકે તેઓએ બનાવેલા એકાઉન્ટોમાં સાયબર ઠગાઈનાં રૂપિયાનો વ્યવહાર થયો હોય જેને લઈને દિલ્હી, ગાઝિયાબાદ, બેંગ્લોર અને મુંબઈમાં ૪ ફરિયાદો નોંધાતા આખા કેસનો પગેરું આરોપીઓ સુધી પહોંચ્યું છે.
આ પકડાયેલો આરોપી આકાશ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને અનેક કંપનીઓનું કામ કરે છે. જ્યારે આરોપી મનોજ રામાવતે ૧૫ વર્ષ સુધી જુદી જુદી બેંકમાં સેલ્સ એક્ઝિક્યુટિવ અને મેનેજર તરીકે નોકરી કરી છે. છેલ્લાં ૬ મહિનાથી તે આકાશ સોનીનાં ત્યાં નોકરી કરતો હતો અને પગારની સાથે કમિશન પણ મેળવતો હતો.
આ બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મોડસ ઓપરેન્ડીની સામે આવી હતી કે, ટર્મ લોન માટે જરૂરી ટર્ન ઓવર બતાવવા પડે તેવી કંપનીઓની ખરીદ વેચાણની એન્ટ્રી બોગસ કંપનીનાં એકાઉન્ટમાંથી કરી કમિશન મેળવતા હતા, સાયબર ગઠિયાઓને આવા એકાઉન્ટ વેચાણ કરી દેતા હતા, આરોપીઓ એક જ સરનામે બેથી ત્રણ કંપનીઓ આર.ઓ.સીમાં રજિસ્ટર કરાવતા હતા.
બાદમાં એજન્ટો મારફતે નાગરિકોને કમિશન અને ભાડુ આપવાની લાલચ આપી તેમનાં નામથી બોગસ કંપનીઓ રજિસ્ટર કરાવી બોગસ બેંક એકાઉન્ટ ખોલાવતા, સિમકાર્ડ, પાસબુક, ચેકબુક મનોજ રામાવત લઈ જતો હતો. બાદમાં તેનો ઉપયોગ સાયબર ઠગાઈમાં કરાતો હતો.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે દરોડા પાડીને આરોપીઓ પાસેથી ૧૨ મોબાઈલ, હાર્ડ ડિસ્ક, ૩ લેપટોપ, પેન ડ્રાઈવ, ૨૬ સિમકાર્ડ, ૨૭ ડેબિટ કાર્ડ, અલગ અલગ કંપનીનાં ડાયરેક્ટર અને પ્રોપરાઈટરનાં ૮૩ સિક્કા, ૨૬ સ્ટેમ્પ, ૯૯ એટીએમ સ્વાઈપ મશીન, ૫ ફિંગર પ્રિન્ટ સ્કેનર, ૨૭ નેમ પ્લેટ, ૧૦૩ ચેકબુક, અલગ અલગ દસ્તાવેજી પુરાવા અને ૫૦ લાખ રોકડ સહિત કુલ ૫૧.૯૦ લાખનો મુદ્દામાલ જપ્ત પણ કર્યો હતો અને હાલ કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવાયા છે, જેથી આગામી સમયમાં તેમની પૂછપરછ દરમિયાન આ મામલે વધુ ખુલાસા થાય તો નવાઈ નહીં!