Last Updated on by Sampurna Samachar
શિલોંગ વહીવટીતંત્ર અને પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા
સમગ્ર મામલાની CBI તપાસની પણ માંગ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
શિલોંગમાં હનીમૂન પર ગયેલા ઇન્દોરના દંપતી રાજા રઘુવંશીના રહસ્યમય મૃત્યુ અને તેમની ગુમ થયેલી પત્નીના કિસ્સાએ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી છે. પત્ની વિશે માહિતી ન મળવાને કારણે પરિવાર હેરાન છે. દરમિયાન મૃતકના ભાઈ વિપિન રઘુવંશીએ શિલોંગ વહીવટીતંત્ર અને પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે સમગ્ર મામલાની CBI તપાસની પણ માંગ કરી હતી.

વિપિને કહ્યું કે, શિલોંગમાં તેમની સાથે ભય અને દબાણનું વાતાવરણ સર્જાયું હતું. વહીવટીતંત્રે રિપોર્ટ દાખલ કરવામાં પણ સહકાર આપ્યો ન હતો. વિપિને આરોપ લગાવ્યો કે શિલોંગમાં એક મોટી ગેંગ સક્રિય છે, જે પુરુષ પ્રવાસીઓને મારી નાખે છે અને તેમની પત્નીઓ અથવા મહિલા સાથીઓને વેચી નાંખે છે. તેમણે એમ પણ કહ્યું કે ગયા મહિને પણ શિલોંગથી એક દંપતી ગુમ થયું હતું, પરંતુ સ્થાનિક પોલીસે ફરિયાદ પણ નોંધી ન હતી.
હજુ સુધી કોઇ શખ્સની પૂછપરછ કરાઇ નહીં
આટલું જ નહીં, તાજેતરમાં એક વિદેશી નાગરિકની પણ હત્યા કરવામાં આવી છે, જેનો મૃતદેહ હજુ સુધી તેના દેશમાં મોકલવામાં આવ્યો નથી. વિપિને દાવો કર્યો હતો કે રાજાના મૃત્યુ પછી જ્યારે તે પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે તેને ટાઇપિંગ સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યો હતો. પોલીસે તેની અરજી લેવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં, જ્યારે તેણે દબાણ કર્યું, ત્યારે રાત્રે ૮ વાગ્યે FIR નોંધવામાં આવી હતી.
વિપિને વધુમાં કહ્યું કે તેમને શંકા છે કે રાજાની પત્ની સોનમ, જે રાજાની હત્યા પછી ગુમ છે, તેનું અપહરણ કરવામાં આવ્યું છે. વિપિને માંગ કરી હતી કે સોનમને શક્ય તેટલી વહેલી તકે સુરક્ષિત રીતે તેમની પાસે લાવવામાં આવે. તેમણે એમ પણ કહ્યું કે શિલોંગ પોલીસે હજુ સુધી શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી નથી.
મૃતક રાજાના ભાઈ વિપિને કાર ભાડે આપનાર વ્યક્તિ, સ્થાનિક ગાઇડ અને તેઓ જ્યાં રોકાયા હતા તે હોટેલ માલિક પર શંકા વ્યક્ત કરી છે. ઉપરાંત, રાજા અને સોનમ જ્યાં છેલ્લી વાર ચા પીધી હતી તે ચાની દુકાન પર પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે.
વિપિને સ્થાનિક વહીવટીતંત્ર પર કેસ દબાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, પોલીસ અને વહીવટીતંત્ર સ્થાનિક પ્રભાવશાળી લોકોના દબાણ હેઠળ કામ કરી રહ્યા છે. વિપિને કેન્દ્ર સરકાર અને મેઘાલયના રાજ્યપાલ પાસેથી માંગ કરી કે આ કેસની તપાસ નિષ્પક્ષ તપાસ માટે સીબીઆઈને સોંપવામાં આવે.