Last Updated on by Sampurna Samachar
દુર્ઘટના સમયે સ્લીપર બસમાં લગભગ ૪૪ લોકો સવાર હતા
૨૩૬ સ્માર્ટફોન અને એસીની બેટરીના કારણે ૨૦નાં મોત
(સંપૂર્ણ સમાચાર સેવા)
આંધ્ર પ્રદેશના કુર્નૂલમાં એક બાઈક પ્રવાસી બસ સાથે અથડાયા પછી બસમાં આગ લાગતા ૨૦ લોકોનાં મોત નીપજ્યાં છે. આ દુર્ઘટનામાં ખુલાસો થયો છે કે કાવેરી ટ્રાવેલ્સની બસમાં ૨૩૬ સ્માર્ટફોન અને એસીની બેટરીના કારણે આગે ટૂંકા સમયમાં એટલું વિકરાળ સ્વરૂપ લઈ લીધું કે, બસમાંથી પ્રવાસીઓને બહાર નીકળવાની કે બચાવવાની તક જ ના મળી અને જોતજોતામાં ૨૦ પ્રવાસી જીવતા ભડથુ થઈ ગયા. પ્રારંભિક તપાસમાં બસે અનેક નિયમોનો ભંગ કર્યો હોવાનું સામે આવ્યું છે.

આંધ્ર પ્રદેશના કર્નૂલ જિલ્લામાં ચિન્નાટેકુર નજીક નેશનલ હાઈવે-૪૪ પર હૈદરાબાદથી બેંગ્લુરુ જતી કાવેરી ટ્રાવેલ્સની બસ એક બાઈક અથડાતા ધડાકો થયો હતો. આ દુર્ઘટના સાથે થોડીક જ મિનિટોમાં બસ આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં ૨૦ લોકોનાં મોત નીપજ્યાં હતા જ્યારે ૧૨ પ્રવાસી ઘાયલ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
મૃતકોના પરિવારને રૂ. ૫-૫ લાખની સહાયની જાહેરાત
સૂત્રોએ કહ્યું કે, કેટલાક પ્રવાસી સ્લીપર બસની બારીના કાચ તોડીને બચવામાં સફળ થયા હતા. જાેકે, અકસ્માત સમયે મોટાભાગના પ્રવાસીઓ ઊંઘમાં હોવાથી તેઓ કશું સમજે તે પહેલાં તો આગની જ્વાળાઓમાં ઝડપાઈ ગયા હતા. દુર્ઘટના સમયે સ્લીપર બસમાં લગભગ ૪૪ લોકો સવાર હતા. મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ મૃતકોના પરિવારને રૂ. ૫-૫ લાખની સહાયની જાહેરાત કરી છે.