Last Updated on by Sampurna Samachar
૨૮૬ હુમલાઓમાં લગભગ ૭૦૦ જવાનો માર્યા ગયા
બલુચિસ્તાનના ઘણાં વિસ્તારો પર કબજો
(સંપૂર્ણ સમાચાર સેવા)
બલૂચિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી (BLA ) એ પાકિસ્તાની સરકાર અને સેનાની મુશ્કેલીઓ વધારી છે. બલૂચ નેતાઓ, બળવાખોરો અને મોટાભાગના લોકો પાકિસ્તાનથી અલગ થઈને સ્વતંત્ર બલૂચિસ્તાન ઈચ્છે છે. આ દરમિયાન એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે.
રિપોર્ટમાં સામે આવ્યું છે કે, જાન્યુઆરીથી જૂન ૨૦૨૫ દરમિયાન BLA બળવાખોરો દ્વારા પાકિસ્તાની સેના પર ૨૮૬ હુમલાઓ થયા છે, જેમાં લગભગ ૭૦૦ જવાનો માર્યા ગયા છે. નોંધનીય છે કે, મીર યાર બલૂચ સહિત ઘણાં બલુચ નેતાઓએ બલૂચિસ્તાન માટે સ્વતંત્રતા પણ જાહેર કરી છે અને બલૂચિસ્તાનને વિશ્વથી સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપવાની માંગ કરી રહ્યા છે.
હુમલામાં નિર્દોષ લોકો પણ માર્યા ગયા
રિપોર્ટ અનુસાર, બલૂચ બળવાખોરોના હુમલાઓનું લક્ષ્ય પાકિસ્તાની સેના હોય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં આ હુમલાઓમાં નિર્દોષ લોકો પણ જીવ ગુમાવે છે. જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. મોટાભાગના કિસ્સાઓમાં બલૂચ બળવાખોરોના હુમલામાં એવા નિર્દોષ લોકો માર્યા જાય છે જે વિસ્ફોટ સમયે સેનાની ચોકી અથવા વાહનની નજીક હોય છે.
બલૂચ બળવાખોરોએ બલુચિસ્તાનના ઘણાં વિસ્તારો પર કબજો કર્યો છે. બલૂચ બલૂચિસ્તાનના સુરબ શહેર પર કબજો કરી લીધો છે. બલૂચ લિબરેશન આર્મીએ ક્વેટા અને મુસ્તાંગમાં પણ ઘણા વિસ્તારો પર કબજો કરી લીધો છે.
પાકિસ્તાની સેના પર બલૂચ બળવાખોરો ત્રણ પ્રકારના હુમલા કરે છે
* આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ છે. બલૂચ લિબરેશન આર્મી સાથે સંકળાયેલો આત્મઘાતી બોમ્બર પોતે બોમ્બ જેકેટ પહેરે છે અથવા બોમ્બથી ભરેલા વાહનમાં સવારી કરે છે અને સૈન્ય ચોકી અથવા વાહન પર હુમલો કરે છે.
* બલૂચ બળવાખોરો પાકિસ્તાનની સેના પર ઓચિંતો હુમલો કરે છે. જેની પાકિસ્તાની સેના અપેક્ષા પણ રાખતા નથી. આ હુમલાઓથી ઘણું નુકસાન પણ થાય છે.
* ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) ના ઉપયોગ કરીને વિસ્ફોટ કરવામાં આવે છે. IED ઉપકરણો સેનાની ચોકી અથવા વાહનની નજીક ગમે ત્યાં લગાવવામાં આવે છે અને વિસ્ફોટ કરે છે.