Last Updated on by Sampurna Samachar
યુવકે અગમ્ય કારણોસર ઝાડ સાથે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી
પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વાવ-થરાદ જિલ્લામાં આત્મહત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. થરાદના જેતડા ગામની સીમમાં એક યુવકે અગમ્ય કારણોસર ઝાડ સાથે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.ઘટનાની મળતી માહિતી અનુસાર, મૃતક યુવકની ઓળખ વિપુલ ઠાકોર તરીકે થઈ છે, જે મૂળ દિયોદર તાલુકાના લુદરા ગામનો રહેવાસી હતો.

વિપુલ છેલ્લા છ માસથી ઇકો ગાડી ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો હતો. પરિવાર સાથે સામાન્ય રીતે ભોજન કર્યા બાદ, મોડી રાત્રે તે ગામની સીમમાં ગયો હતો. ત્યાં કોઈ અગમ્ય કારણોસર માનસિક તણાવમાં આવી જઈને તેને ઝાડ પર લટકી ગળેટૂંપો ખાઈ લીધો હતો.
લુદરા અને જેતડા બંને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું
વહેલી સવારે જ્યારે સ્થાનિક લોકો સીમમાં ગયા ત્યારે યુવકનો મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. આ અંગે તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે.
પરિવારના આશાસ્પદ યુવકે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે હજુ જાણી શકાયું નથી. હાલમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે લુદરા અને જેતડા બંને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.