Last Updated on by Sampurna Samachar
૨૪,૦૦૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી
શિક્ષણ અને સંસ્કૃતિ પર પણ હુમલા થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈરાનમાં ફાટી નીકળેલા હિંસક વિરોધ પ્રદર્શનોને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઈરાન સરકારના એક ઉચ્ચ અધિકારીએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે આ હિંસામાં અત્યાર સુધીમાં ૫,૦૦૦ થી વધુ લોકોના મોત થયા છે, જેમાં અંદાજે ૫૦૦ સુરક્ષાકર્મીઓનો પણ સમાવેશ થાય છે. સરકારે આ કાયદાકીય અરાજકતા માટે આતંકવાદીઓ અને હથિયારબદ્ધ ઉપદ્રવી તત્વોને જવાબદાર ઠેરવ્યા છે.

સુરક્ષાના કારણોસર ગુપ્તતા રાખતા અધિકારીએ જણાવ્યું કે સૌથી ભયાનક હિંસા ઉત્તર-પશ્ચિમ ઈરાનના કુર્દ બહુલ વિસ્તારોમાં જોવા મળી હતી. આ વિસ્તારમાં કુર્દ અલગતાવાદી સંગઠનો સક્રિય હોવાથી અહીં અથડામણો સૌથી વધુ લોહિયાળ રહી હતી. સરકારનો દાવો છે કે દેખાવકારોને ઈઝરાયેલ અને અન્ય વિદેશી શક્તિઓ દ્વારા હથિયારો અને સમર્થન પૂરું પાડવામાં આવ્યું હતું.
હિંસાના આ ૧૯ દિવસોથી દેશને મોટો ફટકો
બીજી તરફ, અમેરિકા સ્થિત માનવાધિકાર સંગઠનએ આંકડાઓમાં તફાવત દર્શાવતા કહ્યું છે કે તેમના મતે ૩,૩૦૮ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય ૪,૩૮૨ કેસની તપાસ હજુ ચાલુ છે. સંગઠનનો દાવો છે કે પ્રદર્શનો દરમિયાન ૨૪,૦૦૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઈરાન સરકાર વારંવાર પોતાની આંતરિક અશાંતિ માટે ઈઝરાયેલ જેવા કટ્ટર દુશ્મનો પર દોષારોપણ કરતી રહી છે.
આ હિંસામાં થયેલા આર્થિક નુકસાનના આંકડા પણ ભયાનક છે. ૧૯ દિવસ ચાલેલા આ તોફાનોમાં ઈરાનના ૩૦ પ્રાંતોમાં ૨૫૦ મસ્જિદો અને ૨૦ ધાર્મિક કેન્દ્રોને નુકસાન થયું છે. આ ઉપરાંત ૧૮૨ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના સાધનો સળગાવી દેવાતા અંદાજે ૫.૩ મિલિયન ડોલરનું નુકસાન થયું છે. બેંકિંગ ક્ષેત્રમાં પણ મોટી તબાહી મચી છે, જેમાં ૩૧૭ બેંક શાખાઓ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે અને ૪૭૦૦ જેટલી બેંકોને અંશત: નુકસાન પહોંચ્યું છે.
માળખાગત સુવિધાઓની સાથે શિક્ષણ અને સંસ્કૃતિ પર પણ હુમલા થયા છે. ૨૬૫ શાળાઓ, ત્રણ મોટી લાયબ્રેરી અને આઠ સાંસ્કૃતિક સ્થળોમાં તોડફોડ કરવામાં આવી છે. વીજળી ક્ષેત્રે પણ ૬.૬ મિલિયન ડોલરની સંપત્તિ તબાહ થઈ હોવાનું અહેવાલમાં જણાવાયું છે. હાલ ઈરાનમાં સ્થિતિ શાંત હોવાનું કહેવાય છે, પરંતુ હિંસાના આ ૧૯ દિવસોએ દેશને આર્થિક અને સામાજિક રીતે મોટો ફટકો માર્યો છે.