Last Updated on by Sampurna Samachar
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની સમાપ્તિને લઇને યોજાઇ હતી બેઠક
એલ્વિનની આ જાહેરાતે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા
(સંપૂર્ણ સમાચાર સેવા)
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની સમાપ્તિને લઇને અમેરિકામાં મોટી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે યુક્રેનના રાષ્ટ્રપતિ ર ઝેલેન્સ્કી અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. બેઠક પૂર્ણ થતી વખતે અમેરિકન વાયુસેના ચીફ ઓફ સ્ટાફે એક મોટો ર્નિણય જાહેર કર્યો. તેમણે પોતાનું પદ છોડવાની જાહેરાત કરી છે.
યુનાઇટેડ સ્ટેટ્સ એર ફોર્સના ચીફ ઓફ સ્ટાફ, જનરલ ડેવિડ એલ્વિને જાહેરાત કરી છે કે તેઓ આવનારા મહિનામાં નિવૃત્તિ લેવાના વિચારમાં છે. એલ્વિનની આ જાહેરાતે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. કારણ કે તેમનો કાર્યકાળ ચાર વર્ષ માટે નિર્ધારિત હતો અને હજુ તો માત્ર બે વર્ષ જ પૂરા થયા છે.
૪૬૦૦ કલાકથી વધુનો ઉડાનનો અનુભવ
જનરલ ડેવિડ એલ્વિન અમેરિકન વાયુસેનાના ૨૩ મા ચીફ છે અને તેમણે ૨ નવેમ્બર ૨૦૨૩ના રોજ પદભાર સંભાળ્યો હતો. તેમણે જાહેરાત કરી છે કે તેઓ લગભગ ૧ નવેમ્બર ૨૦૨૫ના આસપાસ નિવૃત્તિ લેશે. તેના પહેલાં તેઓ નવેમ્બર ૨૦૨૦ થી વાયુસેના ડેપ્યુટી ચીફ તરીકે કાર્યરત હતા. તેઓ એર ફોર્સ એકેડમીમાંથી ગ્રેજ્યુએટ થયા છે અને તેમને ૪૬૦૦ કલાકથી વધુનો ઉડાનનો અનુભવ છે.
સોશિયલ મીડિયા પર એલ્વિને લખ્યું ૨૩મા વાયુસેના ચીફ તરીકે સેવા કરવાનો અવસર મળ્યે તેના માટે આભારી છું. હું સચિવ મીનક, સચિવ હેગસેથ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માનું છું જેમણે મારા પર વિશ્વાસ રાખ્યો. સૌથી વધુ તો મને એ વાયુ સૈનિકોની ટીમનો ભાગ હોવા પર ગર્વ છે. જે આ મહાન રાષ્ટ્રની રક્ષા માટે પ્રતિદિન તૈયારી કરતા ઇમાનદારી, સેવા અને શ્રેષ્ઠતા જેવા મૂલ્યો માટે જીવતાં રહે છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ થયુ નથી કે એલ્વિન પોતે જ રિટાયરમેન્ટ લઇ રહ્યા છે કે રક્ષા સચિવ પીટ હેગસેથના દબાણ હેઠળ આવીને આવી જાહેરાત કરી રહ્યા છે.