Last Updated on by Sampurna Samachar
આરોપીએ 3 બાળકીને પકડવાનો પ્રયાસ કર્યો હોવાની માહિતી
પાડોશમાં રહેતા ૨૨ વર્ષીય નરાધમની ધરપકડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારના દરભંગામાં એક માસૂમ બાળકી સાથે થયેલી હેવાનીયતે ફરી એકવાર માનવતાને શર્મસાર કરી દીધી છે. ૬ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરવાના આ મામલે સમગ્ર પંથકમાં ભભૂકી ઉઠેલા રોષે વહીવટીતંત્રના પણ હોશ ઉડાવી દીધા છે. આ મામલે વિકાસ મહતો નામના ૨૨ વર્ષીય નરાધમની ધરપકડ કરી લેવામાં આવી છે.

સુત્રો અનુસાર બિહારના દરભંગા જિલ્લામાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના બેલામાં રાત્રે ૬ વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરવામાં આવી હતી. બાળકી તેના મોસાળમાં રહેવા આવી હતી, જ્યાંથી તે ગુમ હતી. મોડી રાત્રે ગામની બહાર તળાવ પાસે કૂતરાઓના ભસવાનો અવાજ આવતા પરિજનો ત્યાં પહોંચ્યા, જ્યાં દીવાલ પાસે બાળકીની લોહીલુહાણ લાશ મળી આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીએ ત્રણ બાળકીઓને પકડવાનો પ્રયાસ કર્યો હતો, જેમાંથી બે ભાગી છૂટી હતી પણ આ કમનસીબ બાળકી નરાધમના હાથમાં આવી ગઈ હતી.
દરભંગાના SSP પોતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા
આ ઘટનાની જાણ થતા જ સ્થાનિકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ સુંદરપુર બેલા મંદિર પાસે રસ્તો જામ કરી દીધો હતો. પોલીસે પાડોશમાં રહેતા ૨૨ વર્ષીય વિકાસ મહતોની ધરપકડ કરી છે, જેના કપડા પરથી લોહીના ડાઘા મળી આવ્યા છે. જોકે, આક્રોશિત ભીડ આરોપીને પોલીસ પાસેથી આંચકીને તેને ‘તાલિબાની સજા‘ આપવાની જીદ પર અડી હતી. સ્થિતિ એટલી વણસી હતી કે લોકોએ પથ્થરમારો શરૂ કર્યો, જેના જવાબમાં પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. હાલમાં ઘટનાસ્થળે પાંચ પોલીસ સ્ટેશનનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

દરભંગાના SSP જગુનાથ રેડ્ડી જલારેડ્ડી પોતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મામલાની ગંભીરતા જોઈ FSL ની ટીમને તપાસ માટે બોલાવી છે. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે. વહીવટીતંત્ર લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે કાયદો તેનું કામ કરશે, પરંતુ સ્થાનિકોમાં ન્યાયની ધીમી પ્રક્રિયા અને વધતા જતા ગુનાખોરીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રશ્ન એ થાય છે કે, શું પોલીસની કડકાઈ માત્ર પ્રદર્શનકારીઓ પૂરતી જ મર્યાદિત રહેશે કે આરોપીને વહેલી તકે ફાંસીના માંચડે ચડાવી માસૂમને ન્યાય અપાવશે?