Last Updated on by Sampurna Samachar
ખાનગી બેંક ખાતાનો ઉપયોગ કરીને ગુનો આચર્યો હતો
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ફ્રોડ થયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી ૨.૧૯ કરોડના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના ગુનામાં બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરીને રોકાણ કરેલા રૂ. ૨,૧૯,૦૭,૧૧૪ ની રકમ નફા સાથે પરત કરી નહોતી, જેના પગલે એક્શન લેવામાં આવ્યા છે.

આ ગુનામાં મોરૈયા ગામના નિતીન બચુભાઇ જાદવ (એકાઉન્ટ હોલ્ડર) અને ધંધુકાના બકુલભાઇ નટુભાઇ મકવાણા (એકાઉન્ટ ફ્રોડ માટે આગળ મોકલનાર) ની ધરપકડ કરવામાં આવી છે. આ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ આરોપીઓએ સહ આરોપીઓ સાથે મળીને માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ પોંડીચેરી ખાતે પણ ખાનગી બેંક ખાતાનો ઉપયોગ કરીને ગુનો આચર્યો હતો, જે બંને ફરિયાદો મળીને કુલ રૂ. ૨,૨૯,૬૫,૦૦૦નો સાયબર ફ્રોડનો ગુનો બને છે.
ફ્રોડના તાર આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાયેલા હોવાના અહેવાલ
આરોપીઓ દ્વારા ફરિયાદીનો સંપર્ક વોટ્સએપ મારફતે કરીને પોતાની ઓળખ કસ્ટમર સર્વિસ કે રજીસ્ટર્ડ કંપનીના બ્રોકર તરીકે આપતા હતા. વિશ્વાસ કેળવવા માટે, તેઓ બનાવટી રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ અને SEBI ના લેટરો મોકલતા હતા. વિશ્વાસ આવે તે માટે ફરિયાદીને કંપનીના વોટ્સએપ ગ્રુપમાં સામેલ કરાયા હતા, જ્યાં અન્ય સભ્યો નફાના મેસેજ અને સ્ક્રીનશોટ મૂકીને રોકાણ કરવાથી જંગી નફો થવાની ખાતરી આપતા હતા.
ત્યારબાદ, આરોપીઓએ કંપનીની શેર માર્કેટની નકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ટ્રેડિંગ માટે ફંડ એડ કરવા માટે અલગ-અલગ બેંક ખાતાઓની વિગતો વોટ્સએપ મારફતે મોકલી આપીને રોકાણ કરાવીને ટ્રેડિંગ નાણાં લગાવ્યા.
રોકાણ સામે જંગી નફો એપ્લિકેશનના વોલેટમાં બતાવવામાં આવ્યો, અને શરૂઆતમાં રૂપિયા ૫૭,૮૮૬નું વિડ્રોલ પણ કરાવી આપ્યું, પરંતુ જ્યારે વધુ રૂપિયા વિડ્રોલ કરવાની રિક્વેસ્ટ કરવામાં આવી, ત્યારે આરોપીઓએ ૨૦ ટકા બ્રોકરેજ કમિશન ભરવાની માંગણી કરી હતી.
ધરપકડ કરાયેલા આરોપીઓ સાયબર ક્રાઇમ સિન્ડિકેટ માટે નાણાં સગવગે કરવાના મુખ્ય એજન્ટો તરીકે કાર્ય કરતા હતા. તેઓ બેંક એકાઉન્ટો ખોલાવી/મેળવીને આર્થિક લાભ મેળવતા હતા. તેઓ જાણતા હોવા છતાં કે આ ખાતાઓમાં છેતરપિંડીના રૂપિયા જમા થશે, તેઓ સાયબર ક્રાઇમમાં ભોગ બનેલા નાગરિકોના નાણાં સગવગે કરવા માટે બેંક ખાતાની વિગતો પૂરી પાડતા હતા. આ ખાતાઓમાં જમા થતા સાયબર ફ્રોડના નાણાંનું રોકડમાં રૂપાંતર કરવામાં આવતું હતું.
ત્યારબાદ તે નાણાં આંગડીયા, હવાલા તેમજ ક્રિપ્ટૉ ટ્રાન્જેક્શન જેવા માધ્યમો દ્વારા આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ સિન્ડિકેટના મુખ્ય ગુનેગારોને મોકલી આપીને પોતાનું કમિશન મેળવતા હતા, જે સૂચવે છે કે આ ફ્રોડના તાર આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાયેલા છે.