Last Updated on by Sampurna Samachar
મજૂરોની મદદથી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા
ફોરેસ્ટ ક્વાર્ટરમાં જમીનમાં દટાયેલા ત્રણ મૃતદેહ મળ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાવનગર શહેરના તળાજા રોડ પાસેના કાચના મંદિરની સામે આજે બપોરે એક ભયાનક ઘટના સામે છે. મળતી માહિતી મુજબ, કાચના મંદિરની સામે આવેલ ફોરેસ્ટ ક્વાર્ટરમાંથી ત્રણ મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો છે. મળેલા મૃતદેહોમાં એક મહિલા અને બે બાળકોનો સમાવેશ થાય છે, જેઓ અંદાજે આઠ દિવસ પહેલા ગુમ થયા હતા, ત્યારે હાલ તેઓના મૃતદેહ મળતા આવતા પોલીસ તંત્ર દોડતું થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આખા ભાવનગર શહેરને હચમચાવતી આ ઘટના આજે બપોરના સમયે જ સામે આવી છે. શહેરના પ્રખ્યાત કાચના મંદિર સામે આવેલા ફોરેસ્ટ ક્વાર્ટરના કમ્પાઉન્ડમાં જમીનની નીચે દટાયેલા આ ત્રણેય મૃતદેહ મળી આવ્યા હતા. મજૂરોની મદદથી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે, ત્યારે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
પોલીસ પર માહિતી છુપાવવાનો આરોપ લાગ્યો
બનાવની જાણ થતાંની સાથે જ પોલીસની ટીમના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસની કામગીરી શરૂ કરી દીધી છે. જોકે, પોલીસ દ્વારા હજુ સુધી મૃતકોની ઓળખ કે મોતના કારણ અંગે કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી નથી. પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા આ હત્યાનો બનાવ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. કારણ કે જે બે બાળકો અને એક મહિલાના મૃતદેહ મળ્યા છે, તેઓ છેલ્લા એકાદ અઠવાડિયાના સમયથી ગુમ હતા.
નોંધનીય છે કે, આ ચકચારી ઘટના સામે આવતા મીડિયા કર્મીઓ પણ રિપોર્ટિંગ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, ત્યારે પોલીસે ઘટનાસ્થળે આ પત્રકારોને અંદર પ્રવેશ આપવાનો ઇનકાર કરતા ત્યાં વિવાદ સર્જાયો હતો, જેના કારણે મીડિયા કર્મીઓમાં રોષ ફેલાયો છે. પત્રકારોએ આને પારદર્શિતાના અભાવ તરીકે ગણાવ્યો છે અને પોલીસ પર આરોપ લગાવ્યો છે કે તેઓ માહિતી છુપાવી રહ્યા છે.
હાલ આ ઘટનાએ વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો છે અને લોકોમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. ત્યારે પોલીસે ફોરેન્સિક ટીમને પણ બોલાવી છે અને સીસીટીવી ફૂટેજ તપાસવાની કામગીરી શરૂ કરી છે, આ ઘટના ભાવનગરની શાંતિને ખોરવી નાખનારી છે, હાલ આ મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે, ત્યારે આગામી સમયમાં આ મામલે વધુ ખુલાસા થશે.