Last Updated on by Sampurna Samachar
કાર બોમ્બ બ્લાસ્ટના મામલે NIA ની મોટી સફળતા
સમગ્ર કેસમાં ઝડપાયેલા આરોપીઓની કુલ સંખ્યા ૭
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ બ્લાસ્ટના મામલે NIA એ મોટી સફળતા મેળવી છે. આતંકવાદી ડૉક્ટર ઉમર-ઉન-નબીને આશ્રય પૂરો પાડનાર એક વધુ શખ્સની ધરપકડ કરવામાં આવી છે. NIA એ ફરીદાબાદના ધૂજ વિસ્તારમાં રહેતા શોએબ નામના આ શખ્સની ધરપકડ કરી છે. આ ધરપકડ સાથે જ, સમગ્ર કેસમાં ઝડપાયેલા આરોપીઓની કુલ સંખ્યા ૭ થઈ ગઈ છે.

NIA ની તપાસમાં આ વિગતો બહાર આવી છે કે, ૧૦ નવેમ્બરના રોજ દિલ્હીમાં કાર બોમ્બ બ્લાસ્ટ થયો તે પહેલાં આરોપી શોએબે આતંકવાદી ઉમરને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડ્યો હતો. આ ભયાનક હુમલામાં ૧૫ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. આ ષડયંત્રના મૂળ સુધી પહોંચવા માટે સુરક્ષા એજન્સી દ્વારા સ્થાનિક પોલીસ સાથે મળીને અનેક રાજ્યોમાં સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે અને ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIA દ્વારા ધરપકડ કરાયેલા ૭ લોકો
૧. આમિર રાશિદ અલી(પુલવામાના પમ્પોરથી)
૨. જાસિર બિલાલ વાની (અનંતનાગથી)
૩. ડૉ. મુઝમ્મિલ શકીલ (પુલવામાથી)
૪. ડૉ. અદીલ અહેમદ (અનંતનાગથી)
૫. ડૉ. શાહીન સઇદ (લખનઉથી)
૬. મુફ્તી ઇરફાન અહેમદ (શોપિયાંથી)
૭. શોએબ (ફરીદાબાદના ધૌજથી)
શોએબે આપ્યો હતો આતંકીને આશ્રય
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ધરપકડ કરાયેલો શોએબ અલ-ફલાહ યુનિવર્સિટીમાં વોર્ડ બૉય તરીકે કાર્યરત હતો. તે આતંકવાદીઓ ઉમર અને મુઝમ્મિલને અગાઉથી જ સારી રીતે ઓળખતો હતો, કારણ કે તે મેવાત વિસ્તારમાંથી દર્દીઓને તેમની પાસે સારવાર માટે લઈ જતો હતો. શોએબે આતંકવાદી ઉમરને નૂંહમાં તેની સાળીના ઘરે રોકાવવાની સગવડ પૂરી પાડી હતી. આ ઉપરાંત, તેણે ઉમરને અન્ય સ્થળોએ આશ્રય આપવાની સાથે જરૂરી લોજિસ્ટિક મદદ પણ પૂરી પાડી હતી.