Last Updated on by Sampurna Samachar
શ્રેષ્ઠ ક્રિકેટ રમશે અને ફાઇનલ જીતશે
૨૦૨૫માં પાકિસ્તાનને બે વાર હરાવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
બાંગ્લાદેશ સામે ૧૧ રનથી વિજય મેળવ્યા બાદ પાકિસ્તાને એશિયા કપ ૨૦૨૫ ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. સલમાન આગાની ટીમ ટાઇટલ મેચમાં કટ્ટર હરીફ ભારતનો સામનો કરશે. આ ફાઈનલ મુકાબલા પહેલાં ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પાકિસ્તાનની ટીમને કેટલીક સલાહ આપી છે. ભારતે એશિયા કપ ૨૦૨૫માં પાકિસ્તાનને બે વાર હરાવ્યું છે. શોએબ અખ્તરે પાકિસ્તાનના બેટ્સમેનને સાવધાન રહેવા કહ્યું છે.

શોએબ અખ્તરે અભિષેક શર્માની ધુઆંધાર બેટિંગ અને બોલિંગ પર પાકિસ્તાની ખેલાડીઓને સલાહ આપી છે કે, આ બેટ્સમેનથી સાવધ રહેવું જોઈએ અને તેને પહેલી બે ઓવરમાં આઉટ કરવો જોઈએ. ટીમ ઇન્ડિયાએ ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાનને ૭ વિકેટથી અને સુપર ફોરમાં ૬ વિકેટથી હરાવ્યું હતું.
તમારે ૨૦ ઓવર નાખવાની જરૂર નથી
અખ્તરે ગેમ ઓન કાર્યક્રમમાં સલાહ આપી હતી કે, આ માનસિકતામાંથી બહાર નીકળો, તેમની આભાને બાજુ પર મૂકો… તેમની આભાને તોડી નાખો. બાંગ્લાદેશ સામેની મેચમાં જે માનસિકતા હતી તે જ માનસિકતા સાથે રમો. તમારે તે જ માનસિકતાની જરૂર છે. તમારે ૨૦ ઓવર નાખવાની જરૂર નથી; તમારે ફક્ત વિકેટ લેવાની જરૂર છે.
અભિષેક શર્માએ પાકિસ્તાનના ખેલાડીઓને હંફાવ્યા હતા. જેનાથી તેમની ટીમ ફાઈનલમાં ટેન્શનમાં છે. તેમણે કહ્યું કે, માર્ક માય વર્ડ્સ, જો અભિષેક શર્મા પહેલી બે ઓવરમાં આઉટ થઈ જાય છે, તો તેમની ટીમ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. અભિષેકને ઝડપથી આઉટ કરવો પડશે. તે દરેક ખરાબ બોલને સારી રીતે રમશે. તમારે બસ આક્રમક બોલિંગ કરવાની છે. જો તમે અડગ રહીને રમશો તો ભારતે રન લેવા માટે વધુ મહેનત કરવી પડશે.
આગળ અખ્તરે કહ્યું કે, હું ગૌતમ ગંભીરને ઓળખું છું. તે તેની ટીમને પાકિસ્તાન સામે શ્રેષ્ઠ રમવા જોર કરતો હશે. તે કહેતો હશે કે, પાકિસ્તાન સૌથી ખરાબ ક્રિકેટ રમશે, તેઓ સૌથી ખરાબ ટીમ પસંદ કરશે, પરંતુ જેમ જેમ તેઓ ફાઇનલમાં પહોંચશે, તેઓ શ્રેષ્ઠ ક્રિકેટ રમશે અને ફાઇનલ જીતશે. આવું અમારી સાથે ઘણી વખત બન્યું છે.