Last Updated on by Sampurna Samachar
સેન્સેક્સ ૭૬૫૩૨.૯૬ પર અને નિફ્ટી ૨૩૧૬૩.૧૦ પર બંધ રહ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
શેરબજાર સળંગ બીજા દિવસે ઉછાળા સાથે બંધ રહ્યા છે. સેન્સેક્સ ૮૨૪ પોઈન્ટ તૂટ્યા બાદ છેલ્લા બે દિવસમાં ૧૧૬૬.૭૩ પોઈન્ટ ઉછળ્યો છે. રોકાણકારોની મૂડી પણ ૬.૪૫ લાખ કરોડ વધી છે. ફેડ રિઝર્વ દ્વારા જાહેરાતો પ્રત્યે સકારાત્મક વલણ સાથે બેન્કિંગ અને આઈટી શેરોમાં ખરીદી વધતાં શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે.
સેન્સેક્સ ૬૩૧.૫૫ પોઈન્ટ ઉછળી ૭૬૫૩૨.૯૬ પર અને નિફ્ટી ૨૦૫.૮૫ પોઈન્ટ ઉછળી ૨૩૧૬૩.૧૦ પર બંધ રહ્યો હતો. સ્મોલકેપ અને મીડકેપ શેર્સમાં પણ બે દિવસની મંદી બાદ ઉછાળો જોવા મળ્યો હતો. સ્મોલકેપ ઈન્ડેક્સ ૧૫૫૮ પોઈન્ટ અને મીડકેપ ઈન્ડેક્સ ૧૦૦૦થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે બંધ રહ્યો હતો.
IT અને PSU શેરોમાં આકર્ષક ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. રિયાલ્ટી ઈન્ડેક્સ પણ ૩ ટકાથી વધુ ઉછળ્યો હતો. અન્ય સેક્ટરોલ ઈન્ડેક્સમાં પાવર, મેટલ, ઓટો, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સ ૧ ટકાથી વધુ ઉછળ્યો હતો.
જિયોજિત ફાઈનાન્સિયલ સર્વિસિઝના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, ભારતીય શેરબજાર અપકમિંગ બજેટમાં રાહતો જાહેર થવાના આશાવાદ સાથે સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. બજેટમાં વપરાશ અને રોજગાર સર્જન પર ફોકસ થાય તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. જેના લીધે સ્મોલકેપ અને મીડકેપ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી.
અન્ય મુખ્ય ઈન્ડેક્સ પણ પાંચ વર્ષની સરેરાશ પર ટ્રેડ થઈ રહ્યા છે. જે લાંબા ગાળે સ્થાનિક આઉટલૂક પોઝિટિવ રહેવાની શક્યતા દર્શાવે છે. રોકાણકારો હવે અમેરિકાની ફેડ રિઝર્વની બેઠક પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. જેથી હાલ માર્કેટમાં સાવચેતી જોવા મળી શકે છે.