Last Updated on by Sampurna Samachar
ત્રિમાસિક પરિણામો પછી શેરબજારમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય શેર બજાર કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે લીલા નિશાન પર બંધ થયુ છે. HDFC બેંકના ત્રિમાસિક પરિણામો પછી શેરબજારમાં તીવ્ર ઉછાળો આવ્યો છે, સેન્સેક્સ ૫૬૬ પોઈન્ટ વધ્યો જ્યારે નિફ્ટી ૨૩,૧૫૫ પર બંધ થયો છે. ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં વધારા સાથે બંધ થયું. BSE પર સેન્સેક્સ ૫૬૬ પોઈન્ટના ઉછાળા સાથે ૭૬,૪૫૨.૯૩ પર બંધ થયો. તેમ જ NSE પર નિફ્ટી ૦.૫૭ ટકાના વધારા સાથે ૨૩,૧૫૫.૩૫ પર બંધ થયો છે.
આજના ટ્રેડિંગ દરમિયાન નિફ્ટીમાં ટોચના ગેઇનર્સની યાદીમાં ઇન્ફોસિસ, ટીસીએસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, સન ફાર્માના શેરનો સમાવેશ થયો હતો. જ્યારે ભારત ઇલેક્ટ્રોનિક્સ, ટાટા મોટર્સ, ટ્રેન્ટ, અદાણી એન્ટરપ્રાઇઝ, એસબીઆઈના શેર ટોચના ઘટાડાવાળા શેરોની યાદીમાં સામેલ હતા.
IT સિવાય અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થયા હતા. રિયલ્ટી ઇન્ડેક્સમાં ૪ ટકાનો ઘટાડો થયો છે. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો ૨ ટકાથી વધુ ઘટ્યા જ્યારે નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો ૧.૫ ટકા ઘટ્યા છે. પાછલા સત્રના ઘટાડા બાદ સૂચકાંકો સાત મહિનાના નીચલા સ્તરે પહોંચ્યા બાદ રોકાણકારો સાવધાનીપૂર્વક પાછા ફર્યા હોવાથી સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો થયો હતો. ત્યારે ભારતીય રૂપિયો ૨૫ પૈસા વધીને ૮૬.૩૩ પ્રતિ ડોલર પર બંધ થયો હતો, જ્યારે તે ૮૬.૫૮ પ્રતિ ડોલર પર બંધ થયો હતો.
ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું. BSE પર સેન્સેક્સ ૨૪૯ પોઈન્ટના વધારા સાથે ૭૬,૧૦૯.૨૫ પર ખુલ્યો. તેમ જ એનએસઇ પર નિફ્ટી ૦.૩૮ ટકાના ઉછાળા સાથે ૨૩,૧૧૧.૩૫ પર ખુલ્યો હતો. ભારતીય શેરબજાર મોટા કડાકા સાથે સાત માસના તળિયે નોંધાયા બાદ સુધર્યા છે.
આઈટી અને ટેક્નોલોજી શેરોમાં મોટાપાયે લેવાલીના પગલે સેન્સેક્સ ઈન્ટ્રા ડે ૬૨૪.૭૭ પોઈન્ટ ઉછળ્યો હતો. જે અંતે ૫૬૬.૬૩ પોઈન્ટ ઉછળી ૭૬૪૦૪.૯૯ પર અને નિફ્ટી ૧૩૦.૭૦ પોઈન્ટ ઉછળી ૨૩૧૫૫.૩૫ પર બંધ રહ્યો હતો.
સેન્સેક્સ પેકમાં સામેલ આઈટી શેર ઈન્ફોસિસ ૩.૧૭ ટકા, ટીસીએસ ૨.૮૯ ટકા અને ટેક મહિન્દ્રા ૨.૨૮ ટકા ઉછળા સાથે બંધ રહ્યો હતો. એચસીએલ ટેક. ૧.૩૫ ટકા ઉછળ્યો હતો. આઈટી સેગમેન્ટના અમુક શેરોમાં આકર્ષક ખરીદીના પગલે ઈન્ડેક્સ ૧.૮૮ ટકા ઉછળ્યો હતો. જોકે, આઈટી ઈન્ડેક્સમાં સામેલ ૨૦ શેરમાં સુધારો અને ૩૬ શેરમાં ઘટાડો નોંધાયો હતો. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ ૪૦૫૯ શેર પૈકી ૧૧૫૯ શેર સુધર્યા હતા, જ્યારે ૨૭૮૬ શેર ઘટાડે બંધ રહ્યા હતા.
૮૧ શેર વર્ષની ટોચે અને ૧૫૫ શેર વર્ષના તળિયે પહોંચ્યા હતા. આ સિવાય ૩૧૩ શેરમાં લોઅર સર્કિટ અને ૧૮૨ શેરમાં અપર સર્કિટ નોંધાઈ હતી. જે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે સાવચેતીનું વલણ રાખવા સંકેત આપે છે.
શેરબજારમાં સ્મોલકેપ શેરોમાં ૧૫ ટકા સુધીનું ગાબડું જાેવા મળ્યું હતું. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં લિસ્ટેડ ૯૩૭ સ્ક્રિપ્સ પૈકી ૭૬૧માં મોટા કડાકા સાથે ઈન્ડેક્સ ૮૦૭.૮૬ પોઈન્ટ તૂટ્યો હતો. બીજી તરફ રિયાલ્ટી શેરોમાં મંદીનુ જોર વધ્યું છે. લોધા ડેવલપર્સ ૫.૮૫ ટકા, ગોદરેજ પ્રોપર્ટીઝ ૫.૧૮ ટકા, ઓબેરોય રિયાલ્ટી ૫.૦૦ ટકા તૂટ્યો છે. છેલ્લા ત્રણથી ચાર ટ્રેડિંગ સેશનમાં રિયાલ્ટી શેરો સતત તૂટી રહ્યા છે.
એનર્જી, મેટલ, અને પીએસયુ શેરોમાં પ્રોફિટ બુકિંગના પગલે સેન્ટિમેન્ટ ખરડાયા હતા. એફઆઈઆઈની સતત વેચવાલી તેમજ આર્થિક મંદીની ભીતિ વચ્ચે રોકાણકારો સાવચેત બન્યા છે. રોકાણકારો ટ્રમ્પની નીતિ અને આગામી બજેટમાં રજૂ થનારી જાહેરાતો મુદ્દે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે.