Last Updated on by Sampurna Samachar
મહિલાએ બે બાળકોને ચા-બિસ્કિટમાં ઝેર આપી હત્યા કરી
આરોપી માતા સહિત પોલીસે બે સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ભગવાન જેવી ગણાતી માતાના સબંધને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ તેના બે બાળકોને જમવામાં ઝેર આપી મોતને ઘાટ ઉતાર્યા છે. જ્યાં બાળકોની હત્યા બાદ તેને ભાગવાની કોશિષ કરી પણ ભાગી શકી નહીં અને પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.
સુત્રોથી મળતી માહિતી અનુસાર મુઝફ્ફરનગરના ભોપા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભોપા પોલીસને માહિતી મળી હતી કે અહીં બે બાળકોના મોત થયા છે. માહિતી મળતાં જ ભોપા પોલીસ સ્ટેશનના SHO પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અહીં પોલીસને શંકાસ્પદ પરિસ્થિતિમાં ૧ વર્ષની બાળકી અને ૫ વર્ષના છોકરાના મૃતદેહ મળ્યા હતા.
નડતરરૂપ બાળકોને જમવામાં ઝેર આપ્યું
તપાસ દરમિયાન બાળકોના શરીર પર કોઈ ઈજાના નિશાન મળ્યા ન હતા. આ પછી બાળકોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. પોસ્ટમોર્ટમ રિપોર્ટે બધાને ચોંકાવી દીધા, જેમાં કહેવામાં આવ્યું હતું કે બાળકોના મૃત્યુ ઝેર ખાવાથી થયા છે. આ પછી પોલીસે તાત્કાલિક બાળકોની માતાની ધરપકડ કરી.
આ કેસની તપાસ કરી રહેલા મુઝફ્ફરનગરના SSP સંજય વર્માએ જણાવ્યું હતું કે પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી માતાએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તેનો પતિ બીમાર છે અને પૈસા કમાવવા માટે ચંદીગઢ ગયો છે. મહિલાએ જણાવ્યું હતું કે તેણે ચા અને બિસ્કિટમાં ઝેર ભેળવીને તેના બાળકોને આપ્યું હતું, જેના કારણે તેમના મોત થયા હતા.
આ દરમિયાન, મહિલાએ જણાવ્યું કે મારો કાકીના દીકરા જુનૈદ સાથે પ્રેમ સંબંધ હતો. જે બાજુના ગામમાં રહે છે. બંને સાથે રહેવા માંગતા હતા, પરંતુ બાળકોના કારણે તેમના ખર્ચાઓ ઘણા વધી રહ્યા હતા. તેથી બંનેએ યોજના બનાવી અને બાળકોને ઝેર આપીને મારી નાખ્યા. જેથી તેમના ખર્ચાઓ ઓછા થઈ શકે. બંને ઘરેથી ભાગી જવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ પોલીસે તેમની ધરપકડ કરી. આરોપી માતા સહિત બંને સામે કેસ નોંધવામાં આવ્યો છે અને તેમને જેલ મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.