Last Updated on by Sampurna Samachar
અમદાવાદથી બહાર આવવા જવા માટે આ બ્રિજ બહુ જ મહત્વનો
૧૫ વર્ષ જૂનાં ૧૮૦ બેરિંગ બદલવાં પડશે તેવો રિપોર્ટનુ કહેવું
(સંપૂર્ણ સમાચાર સેવા)
મેગા સિટી અમદાવાદ સતત ધમધમતુ શહેર છે. ત્યારે અહી એક પણ રસ્તો બંધ થાય તો હજારો વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાય છે. ત્યારે ફરી એકવાર નારોલથી વિશાલા તરફનો શાસ્ત્રી બ્રિજ નવેમ્બરથી ૫ મહિના માટે બંધ રખાશે.
શાસ્ત્રી બ્રિજ હવે જૂનો થઈ ગયો છે. ટ્રાફિકથી સતત ધમધમતા આ બ્રિજને હવે સમારકામની જરૂર છે. ત્યારે ૧૫ વર્ષ જૂનાં ૧૮૦ બેરિંગ બદલવાં પડશે તેવું સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ કહે છે. આ કારણે નારોલથી વિશાલા તરફનો શાસ્ત્રી બ્રિજ નવેમ્બરથી ૫ મહિના માટે બંધ રખાશે. ટુવ્હીલર, ફોરવ્હીલર વિશાલાથી નારોલ તરફના બ્રિજનો ઉપયોગ કરી શકશે.
બ્રિજ બંધ કરવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાશે
નવેમ્બર મહિનામાં જ્યારે બ્રિજની કામગીરી શરૂ થશે ત્યારે પાંચ મહિના માટે નારોલથી વિશાલા તરફના બ્રિજને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. ટુ-વ્હીલર અને ફોર વ્હીલરને અવર-જવર કરવા માટે સામેના એટલે કે વિશાલાથી નારોલ તરફના બ્રિજ પરથી વાહનોને ડાઇવર્ઝન આપવામાં આવશે. હાલમાં પણ બ્રિજ પરથી મોટાં વાહનોનો પ્રવેશ પ્રતિબંધિત હોવાના કારણે તમામ વાહનો દાણીલીમડા થઈને અંજલિ ચાર રસ્તા પાસેથી જઈ શકશે.
ઉલ્લેખનીય છે કે, આ બ્રિજનું સમારકામ એક વર્ષ પહેલા જ કરાયું હતું ત્યારે માત્ર સરફેસિંગની કામગીરી કરાઈ હતી. ગત વર્ષે ૯ ઓગસ્ટના રોજ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો. અમદાવાદથી બહાર આવવા જવા માટે આ બ્રિજ બહુ જ મહત્વનો છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તરફ જવા માટે આ જ બ્રિજ પરથી વાહનો પસાર થતા હોય છે. રોજના લાખોની સંખ્યામાં વાહનો આ બ્રિજ પરથી અવરજવર કરતા હોય છે. ત્યારે બ્રિજ બંધ કરવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાશે.