Last Updated on by Sampurna Samachar
ફડણવીસને NCP ના વિલય પર બોલવાનો અધિકાર નથી
શરદ પવારે પ્રથમ વખત મૌન તોડ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રમાં સુનેત્રા પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ NCP પ્રમુખ શરદ પવારે પ્રથમ વખત મૌન તોડ્યું છે. બારામતીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કૌટુંબિક અને રાજકીય મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી.

શરદ પવારે સુનેત્રા પવારના મંત્રીમંડળમાં પ્રવેશ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “મને ખુશી છે કે સુનેત્રા પવારને તક મળી અને તેમની શપથ વિધિ સંપન્ન થઈ, આ આનંદની વાત છે.” જાેકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ આ વિષય પર કોઈ રાજકીય ટિપ્પણી કરવા માંગતા નથી, પરંતુ વ્યક્તિગત રીતે તેમને આ ઘટનાક્રમથી આનંદ થયો છે.
શરદ પવારે સ્વાસ્થ્ય અને દેશના આર્થિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી
NCP ના બંને જૂથોના વિલય અંગે ચાલી રહેલી ચર્ચાઓ પર શરદ પવારે મોટું નિવેદન આપ્યું હતું. CM પર નિશાન સાધતા શરદ પવારે કહ્યું કે, વિલય અંગેની વાતચીત અજિત પવાર અને જયંત પાટીલ વચ્ચે ચાલી રહી હતી. આ પ્રક્રિયામાં દેવેન્દ્ર ફડણવીસ ક્યાંય સામેલ નહોતા, તેથી આ મુદ્દે ટિપ્પણી કરવાનો તેમને કોઈ અધિકાર નથી. આ ઉપરાંત તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રીને બંને NCP ના વિલય અંગે નિવેદન આપવાનો કોઈ નૈતિક અધિકાર નથી.
બજેટ અને સંસદ અંગે વાત કરતા શરદ પવારે સ્વાસ્થ્ય અને દેશના આર્થિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. તેમણે ભાવુક થતા કહ્યું કે, “છેલ્લા ૫૮ વર્ષમાં એવું ક્યારેય નથી બન્યું કે હું સંસદમાં હાજર ન હોઉં, પરંતુ આ વખતે સ્વાસ્થ્યના કારણોસર હું બજેટ ભાષણ સાંભળવા જઈ શક્યો નથી.” આ ઉપરાંત ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે તેમણે કહ્યું કે આગામી બે દિવસમાં તેની સ્પષ્ટ તસવીર સામે આવશે.
અજિત પવારનું સ્મારક: અજિત પવારના સ્મારક અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે તેમને આ વિશે કોઈ માહિતી નથી.
સીમા વિવાદ: પૂર્વ સેના પ્રમુખ મનોજ નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કરતા પવારે જણાવ્યું કે ભારત-ચીન સંબંધો અને સીમા વિવાદ જેવા ગંભીર મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા થવી જાેઈતી હતી.