Last Updated on by Sampurna Samachar
નાયબ મુખ્યમંત્રી અજિત પવારનો દાવો
મતદાર યાદીમાં ચાર ગણા મતદારોની સંખ્યા લગભગ ૧૧ લાખ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે મુંબઈની મતદાર યાદીમાં ડુપ્લિકેશન અંગે દાવો કરીને વિવાદ સર્જ્યો છે. પવારે જણાવ્યું છે કે મુંબઈની મતદાર યાદીમાં બેવડા, ત્રણ ગણા અને ચાર ગણા મતદારોની સંખ્યા લગભગ ૧૧ લાખ જેટલી છે. તેમનું આ નિવેદન BMC ચૂંટણીઓની તૈયારીઓ અને દેશભરમાં ચાલી રહેલી સ્પેશિયલ વોટર રિવિઝન કવાયત વચ્ચે આવ્યું છે.

અજિત પવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને શિવસેના (શિંદે જૂથ) દ્વારા આયોજિત એક રેલીમાં આ વાત કહી હતી, જ્યાં રાજ્યમાં અનેક સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી અજિત પવારે દાવો કર્યો કે તાજેતરમાં એક વલણ જોવા મળ્યું છે જ્યાં મતદાન કોઈના પક્ષમાં ન જાય તો કેટલાક મતદારોને અલગ અલગ વોર્ડમાં ખસેડવામાં આવે છે. મેં ચૂંટણી પંચને યાદીમાં ભૂલો સુધારવા વિનંતી કરી છે. આવું વર્ષોથી થઈ રહ્યું છે.
પૈસાનું વચન આપીને મત માંગવા ખોટું છે
મહારાષ્ટ્રમાં આવા બેવડા અને ત્રણ ગણા મતદાનને સહન કરવામાં આવશે નહીં. ડૉ. બાબાસાહેબ આંબેડકરના સમાન મતદાન અધિકારનો ઉલ્લેખ કરીને અજિત પવારે જણાવ્યું કે, જો કોઈ અધિકારી ઇરાદાપૂર્વક કે અજાણતાં ભૂલ કરે છે, તો તેને તાત્કાલિક સુધારવી જોઈએ.
રહીમતપુર મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણી પહેલાં આ રેલીમાં અજિત પવારે મેયર માટે નંદન સુનિલ માનેનું સમર્થન કર્યું હતું. જોકે, NCP (શરદ પવાર જૂથ)ના વડા શરદ પવારે અજિત પવારના આ નિવેદન પર સવાલ ઉઠાવ્યા છે. શરદ પવારે કહ્યું કે, પૈસાનું વચન આપીને મત માંગવા ખોટું છે. નોંધનીય છે કે, ચૂંટણી પંચ હવે આ ગંભીર આરોપોની નોંધ લઈને મતદાર યાદીમાં સુધારાની પ્રક્રિયાને કઈ રીતે આગળ વધારે છે, તેના પર સૌની નજર ટકેલી છે.