Last Updated on by Sampurna Samachar
ક્રિકેટર શમીને કલકત્તા હાઇકોર્ટનો મહત્વપૂર્ણ આદેશ
લગ્ન બાદ પતિ અને સાસરીયાવાળા ત્રાસ આપતા હોવાની ફરિયાદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ક્રિકેટર મોહમ્મદ શમી અને હસીન જહાં વચ્ચેના વિવાદના કેસને લઇ કલકત્તા હાઇકોર્ટ દ્વારા મહત્વપૂર્ણ આદેશ આપવામાં આવ્યો છે. ન્યાયમૂર્તિ અજય કુમાર મુખર્જીની બેન્ચે હસીન જહાંની અરજી પર ભારતીય ક્રિકેટરને માસિક ખર્ચો ચૂકવવાનો આદેશ આપ્યો છે. ન્યાયાધીશે આદેશમાં જણાવ્યું કે મોહમ્મદ શમી (SHAMI) ની આવક, નાણાકીય દસ્તાવેજોને ધ્યાનમાં લેતાં તે વધુ રકમની ચૂકવણી કરવાની સ્થિતિમાં છે.
કલકત્તા હાઇકોર્ટે જણાવ્યું કે, શમીથી અલગ રહેતી પત્નીને લગ્ન દરમિયાન મળેલા ભરણ-પોષણ માટે સમાન હકદાર છે, જેનાથી અરજદાર પત્ની અને તેની દીકરીના ભવિષ્યને યોગ્ય સુરક્ષા મળી શકે. ન્યાયમૂર્તિ અજય કુમારે આદેશમાં કહ્યું કે ‘‘અરજદાર નંબર ૧ (પત્ની) ને દર મહિને ૧.૫ લાખ રૂપિયા અને તેની દીકરીને દર મહિને ૨.૫ લાખ રૂપિયા દર મહિને આપવું યોગ્ય રહેશે.”
વર્ષ ૨૦૧૪ના રોજ ઇસ્લામિક રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા
કોર્ટે એમ પણ કહ્યું કે આ રકમ ત્યાં સુધી આપવી પડશે જ્યાં સુધી મુખ્ય અરજીનો નિકાલ ન થઈ જાય. કોર્ટે ઉલ્લેખ કર્યો કે, મુખ્ય અરજીના નિકાલ સુધી બંને અરજદારોએ નાણાકીય સ્થિરતા નિશ્ચિત કરવી જરૂરી છે. અરજદારે ૭ એપ્રિલ, ૨૦૧૪ના રોજ ઇસ્લામિક રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.
આ લગ્નબંધન બાદ બંનેની એક દીકરી થઈ. શમી અને હસીન જહાંની દીકરીનો જન્મ ૧૭ જુલાઈ, ૨૦૧૫ના રોજ થયો. હસીન જહાંએ શમી પર આરોપ લગાવ્યો છે કે લગ્ન બાદ શમીએ અને શમીના પરિવારે શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો.
હસીન જહાંએ ૮ માર્ચ, ૨૦૧૮ ના રોજ પશ્ચિમ બંગાળના જાદવપુર પોલીસ સ્ટેશનમાં શમી અને તેના પરિવાર સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં શમી અને તેના પરિવાર સામે ભારતીય દંડ સંહિતાની ધારા ૪૯૮છ, ૩૨૮ , ૩૦૭, ૩૭૬, ૩૨૫ અને ૩૪ હેઠળ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા.
અરજદાર હસીન જહાંનું કહેવું છે કે, સતત થતા માનસિક અને શારીરિક ત્રાસ અને અપમાનજનક વર્તનને કારણે તેણે મહિલા સંરક્ષણ અધિનિયમની ધારા ૧૨ હેઠળ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. તેણે અંતિમ રૂપે પોતાની માટે ૭ લાખ રૂપિયા પ્રતિ મહિને અને તેની દીકરી માટે ૩ લાખ રૂપિયા પ્રતિ મહિનાનો ગુજારો ભત્તો માંગ્યો હતો.