Last Updated on by Sampurna Samachar
મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું
સમગ્ર ઘટના નજીકના CCTV માં કેદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રામ જન્મભૂમિ અયોધ્યામાં માનવતાને લજવતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક વૃદ્ધ મહિલાને તેના પરિવારના સભ્યોએ રસ્તા પર મુકીને ભાગી ગયા હતા. બાદમાં, મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટના નજીકના CCTV માં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે કે, આ કિસ્સો કોતવાલી પોલીસ સ્ટેશન અયોધ્યા વિસ્તારના કિશુન દાસપુરનો છે. અહીં કેટલાક લોકો રાત્રિના અંધારામાં એક વૃદ્ધ મહિલાને ઈ-રિક્ષામાં લઈ આવ્યા હતા અને તેને રસ્તાની બાજુમાં ફુટપાથ પર છોડીને ભાગી ગયા હતા. આ કામમાં મહિલાઓ પણ સામેલ હતી. બીમાર વૃદ્ધ મહિલાને આ રીતે રસ્તામાં મૂકીને પરિવારે માનવતા લજવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વૃદ્ધ મહિલાની હાલત ખૂબ જ ગંભીર
CCTV ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, એક ઈ-રિક્ષામાં વૃદ્ધ મહિલાને લાવીને કિશુન દાસપુર નજીક મુકી તેમના ઉપર ધાબળો ઓઠાડીને ત્યાથી ભાગી ગયા હતા. સ્થાનિક લોકોએ આપેલી માહિતીના આધારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મહિલાને તાત્કાલિક દર્શન નગર ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થયું.
મળતી માહિતી પ્રમાણે એવું કહેવામાં આવી રહ્યું છે કે, વૃદ્ધ મહિલાની હાલત ખૂબ જ ગંભીર હતી, છતાં પરિવારે તેને આ રીતે લાવારિસ છોડી દીધી. જોકે, પોલીસે તત્પરતા દાખવી અને મહિલાને હોસ્પિટલ પહોંચાડી હતી, પરંતુ તેમનો જીવ બચાવી ન શક્યા.