Last Updated on by Sampurna Samachar
કોંગ્રેસ પાર્ટી ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે , શાહે કહ્યું
ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ સાથે મંચ પર વાત કરી શકે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલ પર કોંગ્રેસ જ્યાં આક્રમક છે, તો હવે ભાજપ તરફથી ખુદ ગૃહમંત્રી અમિત શાહે મોરચો સંભાળી લીધો છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીના આરોપો પર પ્રતિક્રિયા આપતા શાહે વળતો પ્રહાર કર્યો છે. સાથે જ તેમણે કોંગ્રેસ પર ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે.

ગૃહમંત્રીએ રાહુલ ગાંધીને ઓપન ચેલેન્જ આપતા કહ્યું છે કે, તેઓ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ સાથે મંચ પર વાત કરી શકે છે. તમને જણાવી દઈએ કે હાલમાં ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. તેમણે અહીં દેશની પ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત જાહેર વિતરણ પ્રણાલીનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસ જૂઠું બોલે છે અને રાહુલ ગાંધી પણ ટ્રેડ ડીલને લઈને જનતા સાથે જૂઠું બોલી રહ્યા છે.
મોદીજીએ બંને ટ્રેડ ડીલમાં ખેડૂતોને સુરક્ષિત રાખ્યા : શાહ
શાહે કહ્યું કે કોંગ્રેસ અને તેમનું નેતૃત્વ જૂઠું બોલીને જનતાને ગેરમાર્ગે દોરે છે. કોંગ્રેસના શહજાદા રાહુલ ગાંધી દેશની સંસદમાં ખેડૂતોની વાત કરે છે. તમે UPA ના ૧૦ વર્ષમાં ખેડૂતોનું કેટલું અનાજ ખરીદ્યું? અમે તમારા કરતા ૧૫ ગણું વધુ અનાજ GST પર ખરીદ્યું છે. શાહે દાવો કર્યો હતો કે યુપીએના સમયે ખેડૂતોનું બજેટ ૨૬,૦૦૦ કરોડ હતું, જેને PM મોદીએ વધારીને ૧,૨૯,૦૦૦ કરોડ કર્યું છે.
તમે ૭૦ વર્ષમાં ખેડૂતોના લોન માફ કરીને તેમને છેતરવાનું કામ કર્યું. મોદીજી છેલ્લા ૧૦ વર્ષથી દરેક ખેડૂતના બેંક ખાતામાં ૬,૦૦૦ રૂપિયા મોકલે છે, જેથી લોન લેવાની નૌબત જ ન આવે.ટ્રેડ ડીલ પર રાહુલ ગાંધીને ઓપન ચેલેન્જ આપતા શાહે કહ્યું, “હું રાહુલ ગાંધીજીને ચેલેન્જ કરું છું. તેઓ કોઈ પણ મંચ નક્કી કરી લે, ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ આવીને તમારી સાથે ચર્ચા કરી લેશે કે નુકસાન કોણે કર્યું છે.”
આ ઉપરાંત અમિત શાહે કહ્યું કે, “હું આ મંચ પરથી ખેડૂતોને આશ્વસ્ત કરવા માંગુ છું કે રાહુલ ગાંધી જૂઠું બોલી રહ્યા છે. મોદીજીએ બંને ટ્રેડ ડીલમાં ખેડૂતોને સુરક્ષિત રાખ્યા છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ પશુપાલકો, માછીમારો અને ખેડૂતોને ખાતરી આપવા માંગે છે કે ભાજપ સરકારમાં તમારા હિતોને કોઈ નુકસાન થશે નહીં.