Last Updated on by Sampurna Samachar
DEO અને સરકારને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો
કોર્ટે બંને અરજીઓને ફગાવી દીધી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે શાળા દ્વારા દાખલ કરવામાં આવેલી બંને અરજીઓને ફગાવી દીધી છે. શાળાએ DEO (જિલ્લા શિક્ષણ અધિકારી) અને રાજ્ય સરકાર દ્વારા તેની સામે શરૂ કરાયેલી કાર્યવાહી સામે પડકાર ફેંક્યો હતો, પરંતુ કોર્ટે આ બંને સરકારી સંસ્થાઓની કાર્યવાહીને યોગ્ય ઠેરવી માન્ય રાખી છે.

હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે શાળાએ તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની જરૂરી માહિતી કે દસ્તાવેજો રજૂ કર્યા ન હતા. આથી, કોર્ટે DEO અને સરકારને સંપૂર્ણપણે યોગ્ય ઠેરવીને શાળાની અરજીઓને રદ કરી છે. કોર્ટે અવલોકન કર્યું કે સેવન્થ ડે સ્કૂલે જાણી જોઈને DEO અને સરકારને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.
તપાસ સમિતિને શાળાની તપાસ કરવાની સંપૂર્ણ સત્તા
શાળાએ તપાસમાં સહકાર આપવાની જગ્યાએ માહિતી છુપાવી હતી. હાઈકોર્ટે શાળાને આદેશ આપ્યો છે કે તે તાત્કાલિક અસરથી સરકારની કાર્યવાહીમાં સંપૂર્ણ સહકાર આપે. આ ર્નિણય શિક્ષણ વિભાગ માટે એક મોટી જીત છે, કારણ કે તે સ્પષ્ટ કરે છે કે નિયમોનું પાલન ન કરતી શાળાઓ સામે કાર્યવાહી કરવાની સત્તા સરકાર પાસે છે. આ ચુકાદો અન્ય શાળાઓ માટે પણ એક દાખલો પૂરો પાડશે કે નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે.
હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે DEO દ્વારા રચવામાં આવેલી તપાસ સમિતિને શાળાની તપાસ કરવાની સંપૂર્ણ સત્તા છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે સમિતિને શાળાના દસ્તાવેજો અને રેકોર્ડ્સની ચકાસણી કરવાની અને જરૂરી માહિતી મેળવવાની સત્તા છે. આ ચુકાદાથી શિક્ષણ વિભાગને શાળાઓ પર દેખરેખ રાખવામાં અને નિયમોનો ભંગ કરતી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં વધુ બળ મળશે. આ ર્નિણય શિક્ષણ ક્ષેત્રમાં પારદર્શિતા અને જવાબદેહી લાવવામાં મદદ કરશે.