Last Updated on by Sampurna Samachar
ગૌરીકુંડના જંગલોમાં ક્રેશ થયુ હેલિકોપ્ટર
ખરાબ હવામાનના કારણે દુર્ઘટના થઇ હોવાના અહેવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ જઈ રહેલું હેલિકોપ્ટર ક્રેશ થયુ હોવાના સમાચાર સામે આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આ હેલિકોપ્ટર ગૌરીકુંડના જંગલોમાં ક્રેશ (CRASH) થયું. આ અકસ્માતમાં કુલ ૭ લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી રહી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, આર્યન કંપનીનું હેલિકોપ્ટર ગૌરીકુંડ અને ત્રિજુગીનારાયણ નારાયણ વચ્ચે ક્રેશ થયુ હતું. જ્યાં હેલિકોપ્ટર ક્રેશ થવાનું કારણ ખરાબ હવામાન હોવાનું કહેવાય છે. તે જ સમયે, આ અકસ્માતની માહિતી આપતા, ઉત્તરાખંડના એડીજી લો અને ઓર્ડર, ડૉ.વી મુરુગેશે જણાવ્યું હતું કે, દેહરાદૂનથી કેદારનાથ જઈ રહેલું હેલિકોપ્ટર ગૌરીકુંડમાં ક્રેશ થયું હતું.
CM પુષ્કર સિંહ ધામીએ આ ઘટના અંગે નિવેદન જારી કર્યું છે. તેમણે કહ્યું છે કે, રુદ્રપ્રયાગમાં હેલિકોપ્ટર ક્રેશ થવાના ખૂબ જ દુ:ખદ સમાચાર મળ્યા છે. SDRF , સ્થાનિક વહીવટીતંત્ર અને અન્ય બચાવ ટીમો રાહત અને બચાવ કામગીરીમાં લાગી ગઈ છે. હું બાબા કેદારને તમામ ભક્તોની સલામતી માટે પ્રાર્થના કરું છું. ગુપ્તકાશી સ્થિત આર્યન હેલી એવિએશનનું એક હેલિકોપ્ટર કેદારનાથથી ગુપ્તકાશી માટે ૬ મુસાફરો સાથે ઉડાન ભરી રહ્યું હતું, જે સમયસર ગુપ્તકાશી પહોંચી શક્યું ન હતું.
કેદારનાથથી ગુપ્તકાશી આવતા સમયે અચાનક ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું જાણવા મળ્યું છે. જ્યાં દુર્ઘટના થઈ તે સ્થળ ગૌરીકુંડથી લગભગ ૦૫ કિમી ઉપર ગૌરી માઈ ખાર્ક નામનું સ્થળ છે. SDRF ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ બચાવ કામગીરી કરી હતી.
ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડના કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશમાં જીવ ગુમાવનારા લોકોની ઓળખ થઈ ગઈ છે. આ અકસ્માતમાં ૭ લોકોના મોત થયા છે અને મૃતકોમાં એક બાળકીનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતમાં BKTC ના એક કર્મચારીનો પણ જીવ ગયો છે. મૃતકોની યાદીમાં ૨ મહિલાઓના નામ પણ સમાવેશ થાય છે. ક્રેશ થયેલ હેલિકોપ્ટર કેદારનાથના દર્શન કર્યા પછી ભક્તો સાથે ગૌરીકુંડ માટે ઉડાન ભરી હતી. જ્યાં અકસ્માત થયો તે સ્થળ એક દૂરસ્થ વિસ્તાર છે.
રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર ધામીએ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું અને અકસ્માતની તપાસના આદેશ આપ્યા. તેમણે મૃતકોના પરિવારજનોને શક્ય તમામ મદદ અને સહાયની ખાતરી પણ આપી. પોલીસે અકસ્માતનો કેસ નોંધ્યો છે.
તમને જણાવી દઈએ કે રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર ધામીએ પણ ૭ દિવસ પહેલા વિવિધ હેલિકોપ્ટર કંપનીઓ સાથે બેઠક યોજી હતી અને સૂચના આપી હતી કે કંપનીઓ ભવિષ્યમાં કોઈ અકસ્માત ન થાય તેનું ધ્યાન રાખે. કંપનીઓને હેલિકોપ્ટરની ખામીઓ દૂર કરવા પણ કહેવામાં આવ્યું હતું.
ધામી સરકાર પાસે જે હેલિકોપ્ટર છે. તેમાં ૨ એન્જિન છે, જ્યારે કેટલીક કંપનીઓ પાસે એક એન્જિનવાળા હેલિકોપ્ટર છે, જે અકસ્માતોનું કારણ બને છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ છે કે આવા હવામાનમાં જે ગમે ત્યારે ખરાબ થઈ શકે છે, જ્યારે મુસાફરો મોટી સંખ્યામાં મુસાફરી કરવા માટે હેલિકોપ્ટરનો સહારો લે છે, તો પછી ઉડ્ડયન કંપનીઓ હેલિકોપ્ટરમાં ફેરફાર કેમ નથી કરતી ?
હેલિકોપ્ટરમાં નીચે મુજબના લોકો સવાર હતા
૧. શ્રદ્ધા રાજકુમાર જયસ્વાલ (૩૫ વર્ષ – મહારાષ્ટ્ર)
૨. રાશી (૧૦ વર્ષ – મહારાષ્ટ્ર)
૩. રાજકુમાર સુરેશ જયસ્વાલ (૪૧ વર્ષ – મહારાષ્ટ્ર)
૪. વિક્રમ (કેદારનાથ ઉત્તરાખંડ)
૫. વિનુદ દેવી (૬૬ વર્ષ – ઉત્તર પ્રદેશ)
૬. તુસ્તી સિંહ (૧૯ વર્ષ – ઉત્તર પ્રદેશ)
૭. કેપ. રાજવીર સિંહ ચૌહાણ (પાયલોટ)