Last Updated on by Sampurna Samachar
ABVP ના વિદ્યાર્થીઓ તાલુકા પંચાયત કચેરી પહોંચ્યા
આદિવાસી દીકરીઓ પુરુષ વોર્ડનના હવાલે હોવાનો આક્ષેપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં આદિજાતિ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. નસવાડીમાં કાર્યરત ‘મણીબેન પટેલ કન્યા છાત્રાલય‘માં છેલ્લા એક વર્ષથી મહિલા વોર્ડન ન હોવાને કારણે આદિવાસી દીકરીઓ પુરુષ વોર્ડનના હવાલે હોવાનો આક્ષેપ થયો છે. આ સંવેદનશીલ મુદ્દે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

મણીબેન પટેલ કન્યા છાત્રાલયમાં રહેતી આદિવાસી કન્યાઓની સુરક્ષા અને સંભાળ માટે મહિલા વોર્ડન હોવું અનિવાર્ય છે. જોકે, છેલ્લા એક વર્ષથી આ જગ્યા ખાલી છે અને છાત્રાલયનો વહીવટ પુરુષ વોર્ડન સંભાળી રહ્યા છે. આ બાબતને ગંભીર ગણીને ABVP ના વિદ્યાર્થીઓ રજૂઆત કરવા માટે તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા.
કચેરીમાં જ ધરણા પ્રદર્શન શરૂ કર્યા
જ્યારે વિદ્યાર્થીઓ અને ABVP ના કાર્યકર્તાઓ આવેદનપત્ર આપવા માટે નસવાડી તાલુકા શિક્ષણ તંત્રની કચેરીએ પહોંચ્યા, ત્યારે ત્યાં તાલુકા શિક્ષણ અધિકારી ગેરહાજર જણાતા મામલો ગરમાયો હતો. જવાબદાર અધિકારીની ગેરહાજરી જોઈને વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને કચેરીમાં જ ધરણા પ્રદર્શન શરૂ કરી દીધા હતા.
વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી છે કે, આદિવાસી દીકરીઓની સુરક્ષાનો પ્રશ્ન હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં છે. જ્યાં સુધી કન્યા છાત્રાલયમાં મહિલા વોર્ડનની નિમણૂક કરવામાં નહીં આવે અને આ પ્રશ્નનું નક્કર નિરાકરણ નહીં મળે, ત્યાં સુધી ધરણા પ્રદર્શન ચાલુ રાખવામાં આવશે. આ વિરોધ પ્રદર્શનને પગલે નસવાડી તાલુકા પંચાયત સંકુલમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હવે જોવાનું એ રહે છે કે આદિજાતિ વિભાગ આ સંવેદનશીલ પ્રશ્ને કેટલી ઝડપથી જાગે છે.