Last Updated on by Sampurna Samachar
૫ વર્ષની બાળકી પર ભૂંડનો જીવલેણ હુમલો
બાળકીની ચીસ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહામહેનતે તેને ભૂંડના પંજામાંથી છોડાવી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ડીસા નજીક આવેલા ભોપાનગરમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામના રસ્તા પર જઈ રહેલી ૫ વર્ષની માસૂમ બાળકી પર અચાનક જંગલી ભૂંડે જીવલેણ હુમલો કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.મળતી માહિતી મુજબ, ૫ વર્ષની રાશિબેન મહેન્દ્રભાઈ વાઘેલા પોતાના ઘર નજીકથી પસાર થઈ રહી હતી, તે સમયે અચાનક જ જંગલી ભૂંડે તેના પર હુમલો કર્યો હતો.

ભૂંડે બાળકીને આડેધડ બચકાં ભરીને ફંગોળી દીધી હતી, જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ભૂંડના આ આક્રમક હુમલામાં બાળકીના માથા, મોઢા અને પગના ભાગે ઊંડા ઘા પડ્યા છે અને લોહીલુહાણ થઈ ગઈ હતી.
બાળકીની ચીસ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહામહેનતે તેને ભૂંડના પંજામાંથી છોડાવી હતી. ગ્રામજનોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા ઈમરજન્સી સેવા ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.