Last Updated on by Sampurna Samachar
શિક્ષકોને બધાની સામે અપમાનિત કરી ધમકી અપાઇ
આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
છોટા ઉદેપુર જિલ્લામાંથી શિક્ષણ જગતને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એસ.એફ. હાઇસ્કૂલમાં નવા નિમાયેલા શિક્ષકોએ શાળાના આચાર્ય અને છોટા ઉદેપુર નગરપાલિકાના હોદ્દેદારો વિરુદ્ધ લાખો રૂપિયાની લાંચ માંગવામાં આવતી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફૂલ અને ફૂલની પાંખડી જેવા સાંકેતિક નામો હેઠળ જુલાઈ ૨૦૨૫થી આ લાંચની માંગણી કરવામાં આવી રહી હોવાનો આરોપ છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ, પીડિત શિક્ષકોને નગરપાલિકા પ્રમુખની ઓફિસમાં એક મીટિંગ માટે બોલાવવામાં આવ્યા હતા. અહીં તેમના મોબાઈલ ફોન જપ્ત કરી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો અને અન્ય પદાધિકારીઓની હાજરીમાં શિક્ષકોને અપમાનિત કરી ગંભીર ધમકીઓ આપવામાં આવી હતી. શિક્ષકોને કહેવામાં આવ્યું હતું કે તેમની નિમણૂક અમાન્ય છે અને તેમના પગાર પાછા ખેંચી લેવામાં આવશે.
શૈક્ષણિક અને રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર
આ મીટિંગમાં સ્પષ્ટપણે ધમકી આપવામાં આવી હતી કે જે શિક્ષકો લાંચની રકમ ચૂકવશે, તેમને નોકરીમાં રજાઓ અને અન્ય સુવિધાઓનો લાભ મળશે. જ્યારે લાંચ ન આપનારા શિક્ષકોને ખોટા કેસોમાં ફસાવીને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. ફરિયાદમાં ડૉ. હાર્દિક ધામેલિયા નામના શિક્ષકને જાહેરમાં ધમકી આપ્યાનો પણ ઉલ્લેખ છે.
તેમને કહેવામાં આવ્યું કે, છોકરીઓ દ્વારા ખોટા આક્ષેપો કરાવીને તમને જેલમાં પુરાવી દઈશું. પીડિત શિક્ષકોનું કહેવું છે કે તેઓ TAT-1 અને TAT-2 જેવી કઠિન પરીક્ષાઓ પાસ કરીને કેન્દ્રીયકૃત ભરતી પ્રક્રિયા હેઠળ સંપૂર્ણપણે કાયદેસર રીતે નિમણૂક પામ્યા છે. સરકાર દ્વારા અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં, શાળા અને નગરપાલિકાના અધિકારીઓ દ્વારા લાખો રૂપિયાની લાંચ માટે દબાણ કરવું એ ભ્રષ્ટાચારની ચરમસીમા છે.
આ સમગ્ર મામલે શિક્ષકોએ પોલીસ સમક્ષ તાત્કાલિક રક્ષણ પૂરું પાડવાની માંગ કરી છે. આ ઉપરાંત, શાળાના આચાર્ય હિતેશભાઈ ચૌહાણ, નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને સંડોવાયેલા તમામ સભ્યો વિરુદ્ધ ભ્રષ્ટાચાર, ધમકી અને શિસ્તભંગના આરોપો હેઠળ કડક તપાસ કરવામાં આવે તેવી પણ માંગણી કરી છે. શિક્ષકોએ એવી પણ રજૂઆત કરી છે કે ભવિષ્યમાં તેમના પર કોઈપણ પ્રકારનો શારીરિક કે માનસિક હુમલો થાય તો તેની સંપૂર્ણ જવાબદારી ઉપરોક્ત અધિકારીઓની રહેશે.
શિક્ષકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, અમે ઈમાનદારીપૂર્વક અમારી ફરજ બજાવી રહ્યા છીએ. લાંચખોરી અને દબાણની આ પ્રવૃત્તિઓ સામે અમે ચૂપ બેસીશું નહીં. જો સરકાર અને કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો અમે આ સમગ્ર કૌભાંડને જાહેરમાં ઉજાગર કરવા માટે પણ તૈયાર છીએ. આ ઘટનાએ છોટા ઉદેપુરના શૈક્ષણિક અને રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચાવી દીધી છે.