Last Updated on by Sampurna Samachar
યુદ્ધવિરામની જાહેરાત બાદ બજારમાં રોકેટ તેજી
સેન્સેક્સ ૨૯૫૦ પોઈન્ટના વધારા સાથે ૮૨,૪૨૯ પર બંધ થયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સપ્તાહની શરૂઆતમાં શેર બજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. રોકાણકારોને લગભગ દરેક સેક્ટરમાં નફો થયો હોવાનુ જાણવા મળી રહ્યું છે. સેન્સેક્સ ૨૯૫૦ પોઈન્ટના વધારા સાથે ૮૨,૪૨૯ પર બંધ થયો. નિફ્ટી ૯૧૯ પોઈન્ટના વધારા સાથે ૨૪,૯૨૭ પર બંધ થયો. બેંક નિફ્ટી ૧૭૮૭ પોઈન્ટના વધારા સાથે ૫૫,૩૮૨ પર બંધ થયો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરીએ તો, નિફ્ટી અને મેટલમાં ભારે ઉછાળો જોવા મળ્યો અને સેક્ટર ૫ ટકાથી વધુના વધારા સાથે બંધ થયું છે.
યુદ્ધવિરામની જાહેરાત બાદ બજારમાં રોકેટ તેજી જોવા મળી છે. સેન્સેક્સ ૧૩૪૯ પોઈન્ટના વધારા સાથે ૮૦,૮૦૩ પર ખુલ્યો. નિફ્ટી ૪૧૨ પોઈન્ટના વધારા સાથે ૨૪,૪૨૦ પર ખુલ્યો હતો. બેંક નિફ્ટી ૧૦૬૩ પોઈન્ટના વધારા સાથે ૫૪,૬૫૮ પર ખુલ્યો હતો.
તમામ ક્ષેત્રોમાં જોરદાર ખરીદી મળી જોવા
વાત કરીએ તો સૌથી મોટી તેજી મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોવા મળી હતી. સેક્ટોરલ ઇન્ડેક્સની વાત કરીએ તો, નિફ્ટી ફાર્મા સિવાય, અન્ય તમામ ક્ષેત્રોમાં આજે જોરદાર ખરીદી જોવા મળી રહી છે. નિફ્ટી ઓટોથી લઈને મેટલ અને રિયલ્ટી સુધી દરેક જગ્યાએ તેજી છે. શેરબજારમાં એવી તેજી જોવા મળી કે તેના કુલ બજાર મૂલ્યમાં ૧૦ લાખ કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો છે.
શેરબજારમાં IT શેર્સમાં ધૂમ ખરીદી જોવા મળી હતી. છેલ્લા કેટલાક સમયથી ટેરિફ વૉર, ડોલરમાં કડાકાના કારણે કરેક્શન મોડમાં ચાલી રહેલા આઈટી સ્ટોકમાં નીચા મથાળે ખરીદી વધી છે. આ ખરીદી પાછળનું કારણ ટેરિફમાં રાહત છે. અમેરિકા અને ચીને એકબીજા પર ટેરિફમાં ૧૧૫ ટકા સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જેનાથી અન્ય દેશોને પણ ટેરિફમાં રાહત મળવાની શક્યતાઓ વધી છે.
ઈન્ફોસિસ, TCS , HCL ટેક, ટેક મહિન્દ્રા શેર્સમાં અનેકગણા વોલ્યૂમના પગલે IT ઈન્ડેક્સ ૬.૭૫ ટકા ઉછળ્યો છે. L & T ૬.૫૦ ટકા, વિપ્રો ૬.૪૧ ટકા, ઈન્ફોસિસ ૭.૯૧ ટકા, TCS ૫.૧૭ ટકા ઉછાળે બંધ રહ્યો છે.
બેન્કિંગગ, IT , પાવર શેરોમાં નીચા મથાળે મબલક ખરીદી જોવા મળી છે. BSE ખાતે કુલ ટ્રેડેડ ૪૨૪૮ શેર પૈકી ૩૫૪૦ શેર ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. ૫૬૮ શેરમાં ઘટાડો નોંધાયો હતો. ૫૦૬ શેરમાં અપર સર્કિટ વાગી હતી. જ્યારે ૧૧૦ શેર વર્ષની નવી ટોચે પહોંચ્યા હતા. ૪૮ શેર ૫૨ વીક લો અને ૧૮૫ શેરમાં લોઅર સર્કિટ વાગી હતી.