Last Updated on by Sampurna Samachar
સોશિયલ મીડિયા પર મિત્રતા કરી જાળમાં ફસાવી
ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પોલીસ સામાન્ય નાગરિકોની રક્ષા માટે હોય છે. જેમાં વાત કરીએ તો મહિલા પોલીસ પર અત્યાચાર થાય તો કોને જઇ કહેવું તે અંગે સવાલ થાય. ત્યારે આવો જ એક કિસ્સો ભાવનગરમાંથી સામે આવ્યો છે. જ્યાં એક મહિલા પોલીસ કર્મચારી પર દુષ્કર્મની ઘટના સામે આવતા સમગ્ર પંથક અને પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામ્યો હતો.

ભાવનગરમાંથી કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. મળી માહિતી મુજબ ભાવનગર શહેરના ગંગાજળિયા પોલીસ મથકમાં એક મહિલા પોલીસ કર્મચારીએ જ પોતે દુષ્કર્મનો શિકાર બની હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.
પોલીસના આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન
સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતા બાદ આરોપીએ મહિલા કોન્સ્ટેબલ પર બળાત્કાર ગુજાર્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.ઘટનાની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, પીડિત મહિલા પોલીસ કર્મચારી અને આરોપી યુવક વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સંપર્ક થયો હતો. સંપર્કમાં આવ્યા બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી.
જોકે, આ મિત્રતાનો ગેરફાયદો ઉઠાવી આરોપીએ મહિલા પોલીસકર્મીને ડરાવી-ધમકાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ પીડિતાને ગંભીર પરિણામો ભોગવવાની ધાકધમકી આપી અનેકવાર આ કૃત્ય આચર્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખાયું છે.
જે અંગે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસ વિભાગ એક્શનમાં આવી હતી. ઘટનાની સંવેદનશીલતાને જોતા, આ સમગ્ર કેસની તપાસ ભાવનગર સિટી DYSP આર. આર. સિંઘલને સોંપવામાં આવી છે.
પોલીસ આરોપીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. રક્ષક જ જ્યારે સુરક્ષિત ન હોય ત્યારે સામાન્ય જનતાની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે. આ ઘટનાએ સમગ્ર ભાવનગરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.