Last Updated on by Sampurna Samachar
ચંદન મિશ્રા સામે હત્યા અને ગેંગ વોરના ડઝનબંધ કેસ
હત્યારાઓએ માત્ર ૨૫ સેકન્ડમાં આ ઘટનાને અંજામ આપ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પટનામાં પારસ હોસ્પિટલના ICU માં ઘૂસીને એક ગેંગસ્ટરને ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ૪ શખ્સો બંદૂકો સાથે ICU માં ડર્યા વગર પ્રવેશ કરી રહ્યા છે. શખ્સોએ હોસ્પિટલના રૂમ નંબર ૨૦૯ માં આ ઘટનાને અંજામ આપ્યો હતો. હત્યારાઓએ માત્ર ૨૫ સેકન્ડમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો.

જણાવી જઈએ કે, જે વ્યક્તિની હત્યા કરવામાં આવી છે, તેનું નામ ચંદન મિશ્રા છે. ચંદન મિશ્રાને બેઉર જેલમાંથી પેરોલ પર સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ચંદન મિશ્રા બક્સરનો રહેવાસી હતો અને કેસરી નામના વ્યક્તિની હત્યા કેસમાં આરોપી હતો. પોલીસે ચંદન મિશ્રાના રૂમમાંથી ૧૨ ગોળીઓના શેલ જપ્ત કર્યા છે. પોલીસે હોસ્પિટલના ગાર્ડ સહિત ૧૨ લોકોની અટકાયત કરી છે અને આ કેસમાં પૂછપરછ શરૂ કરી છે.
ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે
SSP કાર્તિક કે શર્માએ જણાવ્યું હતું કે, ચંદન મિશ્રા એક કુખ્યાત ગુનેગાર હતો અને તેના હરીફ જૂથે હોસ્પિટલમાં ઘૂસીને હત્યા કરી હતી. તેમણે કહ્યું હતું કે, પોલીસને ગુનેગારોની તસવીર મળી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર, ચંદન મિશ્રા સામે હત્યા અને ગેંગ વોરના ડઝનબંધ કેસ નોંધાયેલા છે.
બક્સરમાં ચંદન-શેરુ ગેંગનો આતંક હતો અને બાદમાં શેરુ અને ચંદન વચ્ચે દુશ્મનાવટ થઈ હતી. પોલીસને હત્યા પાછળ શેરુના કેમ્પ પર શંકા છે. આ ચોંકાવનારી ઘટના પર નિવેદન આપતા, પટનાના એસએસપી કાર્તિક કે શર્માએ જણાવ્યું હતું કે, ચંદન મિશ્રા એક કુખ્યાત ગુનેગાર હતો, તેની હત્યા હોસ્પિટલની અંદર તેની હરીફ ગેંગ દ્વારા કરવામાં આવી હતી. આ સંપૂર્ણપણે ગેંગ વોરનો કેસ છે. ગુનેગારોની ઓળખ થઈ ગઈ છે, અમારી પાસે તેમના ફોટા છે. ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.