Last Updated on by Sampurna Samachar
ડ્રગ્સની તસ્કરીના મામલે મજીઠિયાના ઘરની તપાસ થઇ
વિજીલન્સ ટીમે પૂર્વ મંત્રીના ઘરે દરોડા પાડ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમૃતસરમાં શિરોમણી અકાલી દળના વરિષ્ઠ નેતા અને પંજાબના પૂર્વ મંત્રી વિક્રમ સિંહ મજીઠિયાના ઘરે વિજીલન્સની ટીમના દરોડા પડ્યા હતા. જ્યાં તેમની અમૃતસર સ્થિત તેમના ગ્રીન એવન્યુ વાળા ઘરેથી ધરપકડ કરી લેવામાં આવી છે.
વહેલી સવારે વિઝિલન્સની ટીમ દરોડા પાડવા પહોંચી હતી. આ દરોડાની કાર્યવાહીના કલાકો બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ડ્રગ્સની તસ્કરીના મામલે મજીઠિયાના ઘરની તપાસ કરવામાં આવી રહી હતી. ટીમે ઘણા દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે.
આપ સરકાર મારા વિરુદ્ધ બીજો ખોટો કેસ દાખલ કરશે
પ્રાપ્ત માહિતી પ્રમાણે આવક કરતા વધુ સંપત્તિના મામલે તેમની ધરપકડ કરવામાં આવી છે. મજીઠિયા શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલના સાળા છે. અહેવાલ પ્રમાણે મજીઠિયાને મોહાલી લઈ જવામાં આવ્યા છે. શિરોમણી અકાલી દળના નેતાઓએ મજીઠિયાના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સામાન્ય ઝપાઝપી બાદ તેમને પાછા ધકેલી દેવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે, મજીઠિયા લાંબા સમયથી પંજાબ સરકાર પર ડ્રગ્સ અંગે સવાલ ઉઠાવી રહ્યા છે. લુધિયાણા પેટાચૂંટણીના બે દિવસ પહેલા પણ તેમણે પંજાબના મંત્રી ડૉ. રવજોત સિંહની કથિત વાંધાજનક તસવીરો શેર કરી હતી. આ તસવીરમાં ડૉ. રવજોત એક મહિલા સાથે દેખાઈ રહ્યા હતા. મજીઠિયાએ તેને સેલ્ફી કૌભાંડ ગણાવતા આમ આદમી પાર્ટી અને તેના મંત્રી પર મોટા સવાલ ઉઠાવ્યા હતા. તેમણે મંત્રીને પાર્ટીમાંથી હાંકી કાઢવાની માગ કરી હતી.
આરોપો લગાવ્યા બાદ મજીઠિયાએ કહ્યું હતું કે, પંજાબની આમ આદમી પાર્ટી સરકાર મારા વિરુદ્ધ બીજો ખોટો કેસ દાખલ કરશે. મારા વિરુદ્ધ પહેલા પણ આવા કેસ દાખલ કરવામાં આવી ચૂક્યા છે પરંતુ હું તેનાથી ડરવાનો નથી.