Last Updated on by Sampurna Samachar
સ્ટેટ ઈન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીના લૉકરમાંથી ૫૨ લાખ મળ્યાં
મહેસાણા ACB દ્વારા પણ તપાસ કરવામાં આવતા ગાંધીનગરની એક ખાનગી બેન્કના લોકરમાંથી મોટી રકમ મળી આવી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓ સામે લાલ આંખ કરતા લાંચ રુશ્વત વિરોધી બ્યુરો દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગત ૧૫ માર્ચ ૨૦૨૬ના રોજ અમદાવાદ રિજીયન સ્થિત સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોના સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર કેતન ગીરીશભાઈ દવે વિરુદ્ધ ગાંધીનગર ACBએ લાંચ અને અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી.

જે બાદ ગઇકાલે ૧૭ માર્ચે મહેસાણા ACB દ્વારા પણ તપાસ કરવામાં આવતા ગાંધીનગરની એક ખાનગી બેન્કના લોકરમાંથી મોટી રકમ મળી આવી હતી.સાણંદ સેન્ટરના સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર કેતન ગીરીશભાઈ દવેએ એક જાગૃત નાગરિકના પોલીસ પ્રોટેક્શનને રીન્યુ કરવા માટે પોઝિટિવ અભિપ્રાય આપવાના બદલામાં ૮૦,૦૦૦ રૂપિયાની માંગણી કરી હતી, જે રકમ સ્વીકારતા જ ACBની ટીમે કેતનને ૧૫ માર્ચે દબોચી લીધો હતો.
કર્મચારીઓને લાંચ લેતા રંગેહાથ પકડ્યા
આ દરમિયાન ગાંધીનગરના સરગાસણ ચોકડી પાસે આવેલા સૌરાષ્ટ્ર ગાંઠીયા રથની સામે રોડ પર જ્યારે ફરિયાદી પોતાની ગાડીમાં હાજર હતા, ત્યારે આરોપી કેતન ત્યાં પહોંચ્યો હતો. બાદમાં ગાડીની અંદર જ આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી. જેવી આરોપીએ ૮૦,૦૦૦ની રકમ હાથમાં લીધી તેવી જ વોચમાં રહેલી છઝ્રમ્ની ટીમ ત્રાટકીને તેને રંગેહાથ પકડી લીધો હતો.
જે બાદ મહેસાણા એસીબીએ ગાંધીનગરમાં આવેલી એક બેન્કના લોકરનું ચેકિંગ કર્યું હતું. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, કેતન દવેએ પોતાની કાયદેસરની આવકના સ્ત્રોત કરતા વધુ સંપત્તિ ભેગી કરી હતી. એસીબીએ આપેલી સત્તાવાર જાણકારી મુજબ અધિકારીના બેન્ક લૉકરમાંથી ૩૪૬ ગ્રામ સોનું, ૨ કિલો ૫૩૬ ગ્રામ ચાંદીના દાગીના, તેમજ સિક્કા, બિસ્કિટ અને રોકડ મળીને રૂ. ૫૧,૮૨,૪૪૪/ જેટલી રકમની ચીજ વસ્તુઓ મળી આવી છે.
આ મામલે એસીબી દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ ની કલમ ૧૩(૧)(બી) અને ૧૩(૨) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી અધિકારી અમદાવાદ રિજીયનના સાણંદમાં સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોની કચેરીમાં વર્ગ-૨ ના અધિકારી તરીકે ફરજ બજાવતો હતો. તપાસનીશ ટુકડી દ્વારા સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને મિલકતની ઝીણવટભરી તપાસ બાદ આ અપ્રમાણસર મિલકતનો આંકડો સામે આવ્યો છે.
એસીબીએ નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચની માંગણી કરે અથવા ભ્રષ્ટાચારના પુરાવા હોય તો ટોલ ફ્રી નંબર ૧૦૬૪ અથવા વોટ્સએપ નંબર ૯૦૬૬૦ ૧૧૦૪૪ પર સંપર્ક કરી શકે છે.
મહત્વનું છે કે સરકારે ગત નવેમ્બર ૨૦૨૫માં જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા આઠ વર્ષમાં ઉચ્ચ અધિકારીઓથી લઈને વર્ગ-૪ના કર્મચારીઓ અને વચેટિયાઓ કુલ રૂપિયા ૯ કરોડની માતબર રકમની લાંચ લેતા પકડાયા છે. એસીબી દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં આ સમયગાળા દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારના મળીને કુલ ૩,૫૧૭ સરકારી કર્મચારીઓને લાંચ લેતા રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા.
એસીબીના આંકડાઓ વિભાગીય ભ્રષ્ટાચારની ગંભીર સ્થિતિ છતી કરે છે. રાજ્ય સરકારના વિભાગોમાં ગૃહ વિભાગ લાંચ લેવામાં મોખરે છે. છેલ્લા આઠ વર્ષમાં ગૃહ વિભાગના, પોલીસ કોન્સ્ટેબલથી માંડી ઉચ્ચ અધિકારીઓ સહિત, કુલ ૬૮૨ કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા હતા.આ યાદીમાં બીજા ક્રમે પંચાયત વિભાગ છે, જેના ૪૦૫ કર્મચારીઓ અને ત્રીજા ક્રમે મહેસૂલ વિભાગ છે, જેના ૩૦૨ કર્મચારીઓ લાંચના છટકામાં ફસાયા હતા.