Last Updated on by Sampurna Samachar
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.માં કૌભાંડનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનો આરોપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં ફરી એકવાર ભરતી કૌભાંડનો દાવો કરવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંચાલિત કોલેજમાં ભરતી મામલે આરોપો લાગ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ફોરેસ્ટ સર્વિસ કોલેજ BRS માં ભરતી કૌભાંડનો આરોપ લગાવ્યો છે. જેમાં સિનિયર ક્લાર્કની ભરતીમાં ઉમેદવારને પૂર્ણ ગુણ કેવી રીતે મળ્યા તે અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
યુવરાજસિંહ જાડેજાએ જયદીપસિંહ પરમારના પરિણામો પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. જયદીપસિંહ પરમાર ભૂતપૂર્વ કાઉન્સિલર રાજેન્દ્રસિંહના પુત્ર છે. જયદીપસિંહ પરમાર પર ભ્રષ્ટાચાર દ્વારા નોકરી મેળવવાનો આરોપ લગાવ્યો છે.
વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે ફોટોગ્રાફ્સ સાથે કેટલાક પુરાવા રજૂ કર્યા છે. તેમણે આપેલી વિગતો અનુસાર, સિનિયર ક્લાર્કની જગ્યા માટે ૬૩ વ્યક્તિઓએ અરજી કરી હતી જેમાંથી ૩૨ લોકોએ ભાગ લીધો હતો. પરીક્ષા OMR મોડ દ્વારા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં જયદીપ સિંહના બધા જવાબો સાચા હતા.
એવો દાવો કરવામાં આવ્યો છે કે પેપરની આન્સર કીમાં કેટલાક જવાબો ખોટા હતા, પરંતુ જયદીપ સિંહ દ્વારા ટિક કરાયેલા જવાબોને સાચા ગણવામાં આવ્યા છે. આ સાથે શંકા વધુ ઘેરી બની છે કારણ કે જે કોમ્પ્યુટર પ્રોફીન્સી ટેસ્ટ લેવાનો હતો તે રદ કરવામાં આવ્યો છે. આ ખુલાસો કરતી વખતે, યુવરાજ સિંહે પુરાવાના આધારે તપાસની માંગ કરી છે.
ભરતી કૌભાંડના મુદ્દે યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો હતો કે ધરમપુરના કાઉન્સિલર રાજેન્દ્રસિંહ પરમારના પુત્રએ ભ્રષ્ટાચાર દ્વારા નોકરી મેળવી છે. દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કોલેજમાં ભરતી અંગે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. ફોરેસ્ટ સર્વિસ કોલેજ બીઆરએસ કોલેજમાં ભરતી અંગે આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેમાં સિનિયર ક્લાર્કની ભરતીમાં ઉમેદવારે ૨૧૦ માંથી ૨૧૦ ગુણ મેળવ્યા છે. કુલ ૬૩ ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું, જેમાંથી ૩૨ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
યુવરાજ સિંહે કહ્યું, અમારા અને અમારી ટીમ દ્વારા વિશ્લેષણ કર્યા પછી જાણવા મળ્યું કે સીટ નંબર જી-૦૦૪૧ ના ઉમેદવાર પરમાર જયદીપ સિંહ રાજેન્દ્ર સિંહ નામના આશાસ્પદ ઉમેદવારને આન્સર કી મુજબ ૨૧૦/૨૧૦ ગુણ મળ્યા છે.
વિચિત્ર વાત એ છે કે “આન્સર કી મુજબ” ઉમેદવારે બધા ૨૧૦ પ્રશ્નો સાચા આપ્યા. નવાઈની વાત એ છે કે જો આન્સર કીમાં કેટલાક પ્રશ્નોના જવાબ/વિકલ્પમાં ભૂલ હોય, તો તે ઉમેદવારનો જવાબ અથવા વિકલ્પ પણ આન્સર કી મુજબ આપવામાં આવે છે. આ કોઈ શાળા કે કોલેજની પરીક્ષા નથી જેમાં બધા પ્રશ્નો એક જ પુસ્તકમાંથી પૂછવામાં આવે છે, તે એક સ્પર્ધાત્મક પરીક્ષા છે જેમાં વિશ્વના કોઈપણ ખૂણામાંથી પ્રશ્નો પૂછવામાં આવે છે.
છતાં, આ ભાઈને ૨૧૦/૨૧૦ ગુણ મળે છે. તેથી પૂર્ણ ગુણ મેળવનાર ઉમેદવારને વર્તમાન આલ્બર્ટ આઈન્સ્ટાઈન કહેવું ખોટું નથી. કેટલાક પ્રશ્નો એટલા સરળ હતા કે તે ધોરણ ૬ થી ૮ ના પાઠ્યપુસ્તકોમાંથી લેવામાં આવ્યા હતા, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે પેપર સેટર દ્વારા સબમિટ કરવામાં આવેલી આન્સર કીમાં પણ જવાબો ખોટા આપવામાં આવ્યા હતા અને ઉમેદવારે તે જ જવાબ ટિક કર્યો હતો! આ કેવો સંયોગ છે?
યુવરાજે આરોપ લગાવ્યો કે કેટલીક બાબતો પરથી એવું લાગે છે કે જયદીપ સિંહ રાજેન્દ્ર સિંહ પરમાર પોતે જ પેપર સેટર અથવા આન્સર-કી સેટર છે. અથવા જયદીપ સિંહ પરમારનો પેપર સેટર કે આન્સર-કી સેટરની માનસિકતા અને પરિવાર સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે. પરંતુ એવું કેવી રીતે શક્ય છે કે આટલો પ્રતિભાશાળી વ્યક્તિ OMR શીટ નંબર ભરવામાં ભૂલ કરે અને નિરીક્ષક તેને બીજી OMR શીટ આપે.
અમે છેલ્લા ૫ વર્ષની બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓના પરિણામો જોયા. આટલા પ્રતિભાશાળી અને આશાસ્પદ ઉમેદવારે ક્યારેક ને ક્યારેક બીજી પરીક્ષાઓ પાસ કરી હશે! અમે UPSC , GPSC , ગૌણ સેવાઓ, પંચાયત સેવા પસંદગી, GPRB , પંચાયત ભરતી જેવી અનેક પરીક્ષાઓના પરિણામોની PDF તપાસી, પરંતુ જયદીપ સિંહ રાજેન્દ્રસિંહ પરમારનું નામ ક્યાંય દેખાયું નહીં.