Last Updated on by Sampurna Samachar
પેટીએમ કંપનીમાંથી આવતા હોવાનું કહીને કરી છેતરપીંડી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વાસમામાં રહેતા જેશભાઈ એચ.દેસાઈ સિલ્પાલય શોપિંગ સેન્ટરમાં કરિયાણાની દુકાન ધરાવે છે. આથી તે પેટીએમ સ્કેનર વાપરતા હતા. દરમિયાન તેમની દુકાને બે શખ્સ આવ્યા હતા અને તેમણે પોતે પેટીએમ કંપનીમાંથી આવતા હોવાનું કહીને જયેશભાઈને પેટીએમ સ્કેનરનો ચાર્જ રૂ.૯૯ ચાલતો હોઈ આ ચાર્જ એક રૂપિયો કરી આપવાની લાલચ આપી હતી.
ત્યારબાદમાં આ શખ્સોએ જયેશભાઈ પાસેથી ડેબિટ કાર્ડની માંગણી કરી હતી. જે તેમની પાસે ન હોવાથી આ શખ્સોએ જયેશભાઈનો મોબાઈલ લઈને ડેબિટ કાર્ડની ઓનલાઈન અરજી કરી હતી. તેમણે જયેશભાઈને ડેબિટ કાર્ડ આવે એટલે જાણ કરવા કહ્યું હતું. તેમણે જયેશભાઈને કહ્યું હતું કે ડેબિટ કાર્ડથી પેટીએમની પ્રોસેસ કરવાની થશે જેથી અમને કમિશન મળશે અને તમારે પેટીએમનો ચાર્જ એક રૂપિયો થઈ જશે.
બીજી તરફ ડેબિટ કાર્ડ આવતા જયેશભાઈએ મોબાઈલ પર સંપર્ક કરતા તેમની દુકાને બે શખ્સો આવ્યા હતા. તેમણે પેટીએમની પ્રોસેસ માટે જયેશભાઈનો મોબાઈલ ફોન અને ડેબિટકાર્ડ લઈને મોબાઈલમાં બેન્કની એપ્લિકેશનનો પાસવર્ડ મેળવી લઈને જયેશભાઈના ખાતામાંથી રૂ.૫,૯૯,૦૦૦ ટ્રાન્ઝેક્શન કરીને મેસેજ ડિલીટ કરી દીધા હતા. બાદમાં મોબાઈલ ફોનમાં એરોપ્લેન મોડ કરી ફોન જયેશભાઈને આપીને ચાલ્યા ગયા હતા. આ અંગે જયેશભાઈએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.